પડતર માંગણીઓ માટે આંગણવાડી, આશા વર્કર બહેનોની રેલી – સભા

અમદાવાદ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયન, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ – ગુજરાત જેવા તમામ મહિલા સંગઠનો દ્વારા ગાંધી આશ્રમ પાસેના અભય ઘાટ પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અભય ઘાટ પર સભા યોજાય એ પહેલાં દરેક જિલ્લામાંથી આવેલી આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરો પોતાને લગતી સમસ્યાઓને દર્શાવતા બેનર્સ સાથે રેલીમાં જોડાઈ હતી. મહિલાઓ માંગણીઓના આક્રોશ સાથેના નારા લગાડતી રેલી સ્વરૂપે રાણીપ એસ.ટી સ્ટેન્ડ, આર.ટી.ઓ સર્કલ થઈ અભયઘાટ પહોંચી હતી. જ્યાં મહિલાઓની વિશાળ રેલી સભામાં ફેરવાઈ હતી.

આ મોંઘવારીમાં બે હજારમાં શું થાય..?

રેલીમાં જોડાયેલા ભાવનગરથી આવેલા આશા વર્કર સોનલબહેન ચિત્રલેખા.કોમને કહે છે હું વર્ષોથી આશા વર્કર છું મને બે હજાર રૂપિયા જ મળે છે. આ મોંઘવારીમાં બે હજારમાં શું થાય ? અમને યોગ્ય વળતર અને હક્કો મળવા જોઈએ.
આ સાથે સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા રેલીમાં ભાગ લેનાર સભ્યોના મત અનુસાર આંગણવાડી અને આશા વર્કર મહિલાઓની પાસે જે પ્રમાણે કામ લેવડાવવામાં આવે છે એ પ્રમાણે વળતર કે લાભો આપવામાં આવતા નથી. જેથી લાગતા વળગતા વિભાગો અને ગુજરાત સરકારે આ મહિલાઓને યોગ્ય વળતર મળે તેમજ એમની જુદી જુદી માંગણીઓ ધ્યાન પર લેવી જોઈએ. આ તમામ માંગણીઓને લઈને રાણીપ, આર.ટી.ઓ. સર્કલથી અભયઘાટ સુધી પોતાની માંગણીઓના નારા અને બેનર્સ સાથે દરેક જિલ્લામાંથી આવેલી હજારો બહેનોએ સંગઠન શક્તિ સાથે દેખાવો કર્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)