ભારતનો સૌથી મોટો જ્ઞાન-આધારિત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 17′ (KBC 17) નવી સીઝન સાથે પરત આવી રહ્યો છે. આ વખતે પણ આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. આ નવી સીઝનની શરૂઆત કરતાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન એક નવું અને મનોરંજક અભિયાન શરૂ કર્યું છે ,’જહાં અકલ હૈ, વહાં અકડ હૈ’. શોની રિલીઝ તારીખ અને તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે.
‘કૌન બનેગા કરોડપતિ’નો પ્રોમો શરૂ થતાં જ એક એવો માણસ દેખાય છે જે પોતાના જ્ઞાનથી ત્યાં બેઠેલા બધાને આશ્ચર્યચકિત કરી દે છે અને નબળા હોવા છતાં પોતાની બુદ્ધિથી બધાનું દિલ જીતી લે છે. તેમાં અમિતાભ બચ્ચનની પહેલી ઝલક જોવા મળે છે. પ્રોમોની સાથે KBCની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ શો 11 ઓગસ્ટથી સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ચેનલ પર શરૂ થઈ રહ્યો છે.
અગાઉ, અમિતાભ બચ્ચને શોના શૂટિંગની એક ઝલક આપી હતી. સલમાન ખાન હોસ્ટ બનશે તેવી અફવાઓ વચ્ચે બિગ બીએ તેમના બ્લોગ પર સેટ પરથી તસવીરો શેર કરીને પુષ્ટિ કરી હતી કે તેમણે શોની 17મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
બુધવારે, અમિતાભ બચ્ચને KBC ખુરશી પર બેઠેલા પોતાના પડદા પાછળના (BTS) ફોટા પોસ્ટ કર્યા. તેઓ કમ્પ્યુટર સામે બેઠા છે અને વાતોમાં વ્યસ્ત છે. અભિનેતાએ લખ્યું,”કામ શરૂ થઈ ગયું છે… અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે…લોકો પાસે પાછા જવા માટે…જીવન અને આજીવિકાને વધુ સારી બનાવવાની તેમની ઇચ્છામાં તેમની સાથે રહેવા માટે…એક તક જે જીવન બદલી નાખે છે… એક કલાકમાં… મારો પ્રેમ અને આદર.”
‘કૌન બનેગા કરોડપતિ’ ની 16મી સીઝન આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ હતી. એપ્રિલમાં નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે સીઝન 17 માટે નોંધણી 14 એપ્રિલથી શરૂ થશે ત્યારબાદ ઓડિશન અને સ્પર્ધકોની પસંદગી થશે. નવી સીઝનનું 11 ઓગસ્ટના રોજ પ્રીમિયર થશે.
