મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જંગી જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરા પર અંતિમ નિર્ણય લેવાનો છે. જો કે એ વાત લગભગ નક્કી છે કે એકનાથ શિંદે ફરીથી સીએમ બનવાના નથી. તેના બદલે હવે એકનાથ શિંદેએ ભાજપ હાઈકમાન્ડ પાસે મોટી માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેનાનો પક્ષ રજૂ કર્યો અને 12 મંત્રીઓના પદની સાથે વિધાન પરિષદના અધ્યક્ષ પદની માંગણી કરી.
કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેએ ઘણા મહત્વપૂર્ણ વિભાગોની માંગણીઓ કરી છે. તે જ સમયે, શિંદેએ અમિત શાહને અનુરોધ કર્યો છે કે તેઓ પાલક મંત્રીની જવાબદારી ફાળવતી વખતે શિવસેના પ્રત્યે યોગ્ય સન્માન જાળવી રાખે.
ગુરુવારે (28 નવેમ્બર) મોડી રાત્રે અમિત શાહ સાથે થયેલી બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જો કે, એવું લાગે છે કે ભાજપે એકનાથ શિંદેને મનાવી લીધા છે, કારણ કે કાર્યકારી મુખ્યમંત્રીએ અમિત શાહમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શિવસેના માત્ર મહાયુતિની સાથે છે.
નોંધનીય છે કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી ચીફ અજિત પવાર અને અન્ય મહાગઠબંધન નેતાઓ ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બેઠક બાદ શિંદે, ફડણવીસ અને અજિત પવાર દિલ્હીથી રવાના થયા હતા.
અમિત શાહને મળવા પર એકનાથ શિંદેએ શું કહ્યું?
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું, “મેં પ્રેસ કોન્ફરન્સમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને કોઈ અવરોધ નથી. આ ‘લાડલાભાઈ’ દિલ્હી આવ્યા છે અને ‘લાડલા ભાઈ’ મારા માટે છે. તે અન્ય કોઈપણ પદ કરતાં ઉચ્ચ પદ છે.” તમને જણાવી દઈએ કે, ગત બુધવારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લગતા નિર્ણયનો પણ સમાવેશ થાય છે.
એકનાથ શિંદેએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,”મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે જો મારી હાજરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં કોઈ અડચણ ઊભી કરે છે, તો નિર્ણય લેવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. તમે જે પણ નિર્ણય લેશો, તે મને સ્વીકાર્ય હશે.”
