આણંદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 6 જુલાઈ, 2025ના રોજ આણંદ ખાતે એનડીડીબીના નવા કાર્યાલયના ભવન – મણિબેન ભવનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ IDMC દ્વારા સ્થાપિત દેશના પ્રથમ રેડી-ટુ-યુઝ કલ્ચર પ્લાન્ટ તથા NCDFIના કાર્યાલયના સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. NDDBના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આ દિવસ ડેરી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. IDMC દ્વારા સ્થાપિત દેશના પ્રથમ રેડી-ટુ-યુઝ કલ્ચર (આરયુસી) પ્લાન્ટનું ઉદ્ઘાટન થવાથી ભારત હવે સ્વદેશી કલ્ચરનું ઉત્પાદન શરૂ કરશે, જેનાથી ડેરી ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત બનશે. તેમણે એનડીડીબીના સંશોધન અને વિકાસ (R&D)ના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેના પરિણામે વિવિધ સ્વદેશી આરયુસી (રેડી-ટુ-યુઝ કલ્ચર) સૂત્રીકરણોનો વિકાસ થઈ શક્યો છે.
NDDBના ચેરમેન ડૉ. મીનેશ શાહએ જણાવ્યું હતું કે, સ્વદેશી RUC પ્લાન્ટ, NCDFIના કાર્યાલયના સંકુલ અને નવા NDDB મણિબેન ભવનનું ઉદ્ઘાટન અત્યંત પ્રેરણાદાયક રહ્યું છે. NDDB આત્મનિર્ભર સહકારી વૃદ્ધિના વિઝન સાથે સુસંગત રહીને ખેડૂતલક્ષી નવી પહેલને આગળ વધારવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
IDMC દ્વારા વિકસાવવામાં આવેલો રેડી-ટુ-યુઝ કલ્ચર (આરયુસી) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ફર્મેન્ટેડ ડેરી કલ્ચરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસની દિશામાં લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતમાં સૂક્ષ્મજીવોની વિપુલ વૈવિધ્યતા હોવાથી, આ પહેલનો હેતુ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને ‘મેક ઇન ઇન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે સુસંગત રહીને ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા મોટાભાગના ઉપકરણો સ્થાનિક સ્તરેથી મેળવવામાં આવ્યાં છે.
નેશનલ કૉઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયાના નવા વડુંમથકનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આવેલી રાજ્ય-સ્તરીય ડેરી સહકારી મંડળીઓ વચ્ચેના સંકલનને સુદ્રઢ બનાવવાનો છે. NDDB દ્વારા નિર્મિત આ નવી ફેસિલિટી, હાલમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડેરી સહકારી મંડળીઓનું પ્રતિનિધિત્ત્વ કરનારી NCDFIની સંચાલનની કાર્યક્ષમતા અને પહોંચને સુધારશે તેવી અપેક્ષા છે. NCDFI સંરક્ષણ મંત્રાલય માટે દૂધના પુરવઠાનું સંકલન પણ કરે છે. ફેડરેશન દ્વારા વિકસાવવામાં આવેલું ઈ-માર્કેટ પોર્ટલ એક નોંધપાત્ર પહેલ છે, જે પારદર્શકતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે.
