અમેરિકા હવે પાકિસ્તાન AMRAAM મિસાઈલ નહીં આપે, ટ્રમ્પે આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ ભારત સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા પાકિસ્તાનને AIM-120 એડવાન્સ્ડ મિડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઈલ (AMRAAM) સપ્લાય કરવા મંજૂરી આપી હતી ,પણ હવે અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનને આવી કોઈ મિસાઈલ સપ્લાય કરવાની તેની કોઈ યોજના નથી. અગાઉ એવી અફવાઓ હતી કે રેથિયોન કંપની સાથે 2.5 અબજ ડોલરના સોદામાં પાકિસ્તાનને AIM-120ના C8 અને D3 વર્ઝન આપવામાં આવશે, જેની ડિલિવરી મે 2030 સુધીમાં પૂરી થવાની હતી. આ સોદો પાકિસ્તાનની વાયુસેનાને મજબૂત બનાવવાની સાથે દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલનને અસર કરી શકે એવો હતો, ખાસ કરીને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને ધ્યાનમાં લેતાં આ સોદો મહત્તવનો હતો.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે કોઈ હથિયાર ડીલ થઈ નથી અને આ પ્રકારની અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી.

દરેક હવામાનમાં અસરકારક મિસાઈલ

AIM-120 AMRAAM એક ‘ફાયર એન્ડ ફોરગેટ’ મિસાઈલ છે, જે અમેરિકન વાયુસેનાની અદ્યતન એર-ટુ-એર હથિયાર પ્રણાલી છે. 1991માં પ્રથમ વખત તૈનાત થયેલી આ મિસાઈલમાં એક્ટિવ રડાર ગાઇડન્સ સિસ્ટમ છે, જે તેને દિવસ-રાત અને દરેક હવામાનમાં અસરકારક બનાવે છે. તેનું વજન આશરે 154 કિલોગ્રામ (340 પાઉન્ડ) છે. તે સોલિડ-ફ્યુઅલ રોકેટ મોટરથી સંચાલિત છે, જેને કારણે તે આશરે 4900 કિમી પ્રતિ કલાકની ગતિ હાંસલ કરે છે. તેની રેન્જ મૂળ આવૃત્તિમાં 50થી 100 કિલોમીટર છે, જ્યારે નવીનતમ AIM-120D વર્ઝન 160 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે.