ભાદરવી પૂનમ મેળાને લઈ 6000 એક્સ્ટ્રા ST બસ દોડશે, 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન

અમદાવાદ: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો ઉમટી પડે છે. જેમની સુવિધા માટે ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની સરળ અને સુગમ મુસાફરી માટે એસ.ટી. નિગમ દ્વારા 6,000 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન 30,000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવશે. રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતેથી એસ.ટી. નિગમની નવી 180 બસોને લીલીઝંડી દર્શાવીને જનતાની સેવા માટે રવાના કરી હતી. આ નવી મોર્ડન અને આધુનિક બસોથી અંબાજી જવા-આવવા માંગતા યાત્રિકો તેમજ રાજ્યના અન્ય રૂટના મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો લાભ મળશે.ભાદરવી પૂનમના આ પવિત્ર મહામેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે પહોંચે છે. અંબાજી બસ સ્ટેન્ડ ખાતે યાત્રિકો માટે પીવાના પાણી, છાંયડા માટેના વિશાળ શેડ, સ્વચ્છતા અને વધારાની ટિકિટ બારીઓ સહિતની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી માટે 4,000થી વધુ એસ.ટી. કર્મચારીઓ અને અધિકારીઓ 24 કલાક કાર્યરત રહેશે.