ગુજરાત: વડોદરામાં સ્માર્ટ મીટરથી એક જ દિવસમાં 1071 લોકોના વીજ જોડાણ કપાયાંની માહિતી સામે આવી છે. ફતેગંજ વિસ્તારમાં 200 ગ્રાહકોએ ઓફિસને ત્રણ કલાક બાનમાં લીધી હતી. લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરમાં કરાવવામાં આવતું પ્રિ-પેઈડ બેલેન્સ ફટાફટ સફાચટ થઈ જાય છે. લોકોના ઉગ્ર વિરોધને પગરે વીજ કંપનીમાં પોલીસ બોલાવવી પડી હતી. બીજી તરફ મહિલા કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. બીજી તરફ શહેરના પાદરા વિસ્તારમાં પણ એમ.જી.વી.સી.એલ દ્રારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાવવા માંગ કરી હતી.
વડોદરા પહેલાં રાજકોટમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉઠ્યો હતો. સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને નુકસાન થતું હોવાનો તેઓ આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે પગાર 5થી 10 તારીખ વચ્ચે થાય છે. તેવામાં રિચાર્જ કરવામાં થોડો વિલંબ થાય તો વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ગ્રાહકો સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવા માગ કરી રહ્યાં છે. રાજકોટમાં પણ પી.જી.વી.સી.એલ. દ્રારા સ્માર્ટ મીટર લગાવવા સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક પછી એક ઘણા વિસ્તારોમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ગોધરામાં પણ સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોધરાના ખાડી ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારોએ વિરોધ કર્યો છે. શ્રમિકો પાસે મોબાઈલ ન હોવાના કારણે રિચાર્જ કરાવી શકતા નથી એટલે વીજળી બંધ કરી દેવામાં આવે છે, એવો આક્ષેપ પણ લગાવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રિચાર્જ કરાવ્યા બાદ ઝડપથી પૂરૂ પણ થઈ જાય છે.
ત્યારે આવો જાણીએ કે વીજ કંપનીઓ આ વિશે શું કહે છે.
સ્માર્ટ પ્રિ-પેઇડ વીજળી મીટર ઇન્સ્ટોલેશન કર્યા બાદ મીટર સંબંધિત કોઈપણ સમસ્યા માટે વીજળી કાર્યાલયની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. કારણ કે, મોબાઈલમાં ઓનલાઈન માધ્યમથી જુદાં-જુદાં વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો. વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી મોબાઈલ ફોન પર મેળવી શકો છો.સરળતાથી જોઈ શકાશે કે તમારા ઘરમાં દરરોજ કેટલી વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વીજળીના વપરાશ પર તમારું નિયંત્રણ રહશે અને તમને ખબર પડશે કે તમે દરરોજ કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કર્યો છે. તમારા મીટરમાં ઉપલબ્ધ બેલેન્સમાંથી તમે કેટલાં યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો તે પણ જાણી શકશો. તેનાથી તમે સમયસર મીટર રિચાર્જ કરાવી શકો છો અને વીજળીની પણ બચત કરી શકો છો.