બધા જજોએ સંપત્તિનો ખુલાસો કરવો પડશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ન્યાયતંત્રમાં પારદર્શિતા અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટના તમામ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલે યોજાયેલી ફુલ કોર્ટ મીટિંગમાં બધા 34 જજોએ ચીફ જસ્ટિસ એફ ઈન્ડિયા સંજીવ ખન્ના સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને એ ભાવિ જજો પર પણ લાગુ થશે. જજોએ એમ પણ કહ્યું કે મિલકતો સંબંધિત વિગતો સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પણ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. CJI અને ન્યાયાધીશો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરશે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં CJI સહિત કુલ 30 ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે, જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ ઓક, જસ્ટિસ જેકે મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરથના જેવા જજોનો સમાવેશ થાય છે.

હાલમાં જ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મળી આવી હતી. રોકડ વસૂલાતના કેસની તપાસ કરવા માટે, CJI સંજીવ ખન્નાએ 22 માર્ચે જસ્ટિસ યશવંત વર્મા સામે ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી.

એવો આરોપ છે કે જસ્ટિસ વર્માના સત્તાવાર રહેણાંક સંકુલમાંથી નોટોના બંડલ મળી આવ્યા હતા, જ્યાં 14 માર્ચે આગ લાગી હતી. આગ બુઝાવનારી ફાયર બ્રિગેડ ટીમે સ્ટોર રૂમમાં નોટોનાં આ બંડલ જોયાં હતાં. આગને કારણે ઘણી નોટો બળી ગઈ હતી.