NDAમાં બધું સમુસૂતરું નથીઃ નારાજ ઉપેન્દ્ર કુશવાહા દિલ્હી રવાના

પટનાઃ બિહાર ચૂંટણીને લઈને NDAમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થયા બાદ પણ બધું સમુંસૂતરું નથી. રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાએ મહુઆ વિધાનસભા બેઠકને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે કુશવાહાના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. કુશવાહા અમિત શાહને મળવા દિલ્હી રવાના થયા છે.

RLMપ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે સમ્રાટ ચૌધરી અને નિત્યાનંદ રાય મને હાથ જોડીને ચાલ્યા ગયા હતા, હું નારાજ છું કે ખુશ છું એ પ્રશ્ન નથી. હું એટલું જ કહું છું કે NDAમાં બધું ઠીક નથી.ભાજપના નેતાઓ સાથેની બેઠક બાદ ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટીની ઈમરજન્સી બેઠક બોલાવી હતી, પરંતુ પછી તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતને કારણે બેઠક સ્થગિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હું દિલ્હી જઈ રહ્યો છું. NDAમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર ચર્ચા કરવાની જરૂર છે. હું એ મુદ્દા પર વાત કરવા દિલ્હી જઈ રહ્યો છું. મને આશા છે કે બધું ઠીક થઈ જશે. કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જેમ ઉપેન્દ્રજીએ કહ્યું છે, બધું ઠીક છે અને જલદી જ બધું ઠીક થઈ જશે.

NDAમાં કોણ કેટલી બેઠકો પર લડશે

NDAએએ આવનારી વિધાનસભા ચૂંટણી માટે બેઠકોના વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરી છે. તે મુજબ ભાજપ અને JDU 101-101 બેઠકો પર લડશે, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29 બેઠકો પર, જ્યારે હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.

સીટ શેરિંગ બાદ કુશવાહાએ સમર્થકો પાસે માફી માગી

સીટ શેરિંગ બાદ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના સમર્થકોને માફી માગતા એક પોસ્ટ કરી હતી. તેમણે X પર લખ્યું હતું  કે પ્રિય મિત્રો-સાથીઓ, આપ સૌ પાસેથી ક્ષમા માગું છું. તમારા મન મુજબ બેઠકોની સંખ્યા ન થઈ શકી.