અક્ષયકુમારે ‘હેરાફેરી-3’ માટે પરેશ રાવલ પર કર્યો રૂ. 25 કરોડનો કેસ

મુંબઈઃ કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’ નો ત્રીજો ભાગ બનાવાના સમાચાર આવ્યા છે, ત્યાંથી જ ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા છે, પરંતુ આ ખુશીમાં દર્શકોને પરેસ રાવલે મોટો આંચકો આપ્યો છે. પરેશ રાવલે આ ફિલ્મ અચાનક છોડી દીધી છે. આ સ્થિતિમાં ફિલ્મની ટીમ તેમ જ ચાહકોમાં નિરાશા વ્યાપી છે. એક્ટર અક્ષય કુમારે ફિલ્મ છોડવા બદલ પરેશ રાવલ પર રૂ. 25 કરોડનો કેસ કર્યો છે. હવે આ મામલે ડિરેક્ટર પ્રિયદર્શને વાત કરી છે.

એક અહેવાલ મુજબ ‘હેરાફેરી-3’ના પ્રોડ્યુસર અક્ષયકુમારે પરેશ રાવલને લીગલ નોટિસ મોકલી છે. અક્ષયે ફિલ્મને અચાનક છોડવા અને પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવા બદલ પરેશ પર રૂ. 25 કરોડનો કેસ કર્યો છે. આ મુદ્દે પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન ડિરેક્ટર પ્રિયદર્શને અક્ષયના પગલાને યોગ્ય ગણાવ્યું છે. પ્રિયદર્શનના કહેવા પ્રમાણે અક્ષય કુમારને આ નોટિસ મોકલવાનો હક છે કારણ કે તેમણે આ પ્રોજેક્ટમાં પોતાના પૈસો અને મહેનત લગાડી છે. એટલું જ નહીં, અક્ષયે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાથી પિક્ચરના રાઇટ્સ પણ ખરીદી લીધા છે.

પ્રિયદર્શન કહે છે કે મને ખબર નથી કે આવું કેમ બન્યું, કારણ કે પરેશ રાવલે અમને જાણ કરી નહોતી. ફિલ્મ શરૂ કરતાં પહેલાં અક્ષયે મને કહ્યું હતું કે સુનીલ અને પરેશ બંને સાથે વાત કરો. મેં બંને સાથે વાત પણ કરી હતી અને બંને તૈયાર હતા. મારું તો આમાં કશું નુકસાન નથી, પણ અક્ષયે પૈસા લગાવ્યા છે અને એ કારણ હોઈ શકે છે કે તેમણે આ પગલું લીધું છે. હજુ સુધી પરેશ રાવલે મારો સંપર્ક કર્યો નથી.


પરેશ રાવલનું ‘હેરાફેરી-3’માંથી હટી જવું એ બધા માટે આશ્ચર્યજનક રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ નિર્ણય ડિરેક્ટર સાથેના ક્રિએટિવ તફાવતને કારણે લેવામાં આવ્યો છે. જોકે પરેશે આ અફવામાં પોતે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું હતું કે હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે હેરાફેરી-3માંથી હું કોઈ પણ પ્રકારના ક્રિએટિવ મતભેદને કારણે બહાર નહોતો આવ્યો. હું ફરી કહું છું કે ફિલ્મમેકર સાથે મારા કોઈ પણ પ્રકારના રચનાત્મક વિવાદ નથી. મને  પ્રિયદર્શનજી (ડિરેક્ટર) માટે ખૂબ પ્રેમ, માન અને વિશ્વાસ છે.’ હવે જોવાનું એ છે કે આગળ શો વળાંક આવે છે.