જાણો કેવી રીતે રીંગણી વેચીને ખેડૂત બન્યો લખપતિ!

ગાંધીનગર: ‘રાસાયણિક ખાતરો અને દવાઓથી જમીનની સાથે માનવ શરીરને મોટું નુકસાન થાય છે, એટલે રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં. રાસાયણિક ખાતરથી પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાતર, બિયારણ અને ઉત્પાદન સારું થતું ન હતું. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને ગુણવત્તાસભર પાક સારો મળી રહ્યો છે. એટલે મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે…’ આ શબ્દો છે તેલાવ ગામના ખેડૂત શ્રી અકબરઅલી બાબુભાઈ મોમીનના..અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં રહેતા ખેડૂત અકબરઅલી બાબુભાઈ મોમીને વર્ષ ૨૦૨૨થી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરેનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરતા અકબરઅલી મોમીન સિઝનલ શાકભાજીના પાક વડે સારી આવક મેળવે છે. સંયુક્ત પરિવારમાં રહેતા અકબરભાઈ લગભગ ૧૨ વીઘા જેટલી સંયુક્ત જમીન ધરાવે છે. તે પૈકી માત્ર ૨ વિઘા જમીનમાં તેમણે રીંગણી વાવી છે અને માત્ર બે વીઘામાંથી ત્રણ- ચાર માસ જેટલા ટૂંકા ગાળામાં રૂપિયા અઢી લાખ જેટલી આવક મેળવી છે. આખા વર્ષ દરમ્યાન તેઓ અંદાજે ૬ લાખ જેટલી આવક મેળવે છે.

આ અંગે તેઓ જણાવે છે કે, છેલ્લાં ઘણા વર્ષોથી હું પરંપરાગત ખેતી કરતો હતો. પરંતુ આ ખેતીમાં વાપરવા પડતાં રાસાયણિક ખાતરને કારણે પાકની ગુણવત્તા મળતી નહતી અને ખર્ચ પણ વધુ થતો હતો. સાથે-સાથે રાસાયણિક ખાતરથી થતા અસાધ્ય રોગ અંગે પણ હું જાગૃત છું… આ ભયાનક રોગો અને તેના પરિણામથી ચિંતિત અકબરભાઈ સંકલ્પ લીધો કે, ‘રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં…’જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેષ પટેલ જણાવે છે કે, ‘અમદાવદ જિલ્લામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગના ક્ષેત્રીય અધિકારી/ કર્મચારીની સંયુક્ત ટીમ મારફત તેમજ 5 ગામ દીઠ જિલ્લામાં 100 જેટલા ક્લસ્ટરની રચના કરી, ખેડૂતોને ઘનિષ્ટ તાલીમ આપવાની કામગીરીની ફલશ્રુતિ રૂપે અમદાવાદ જિલ્લામાં હાલ લગભગ ૧૬ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, અને અંદાજે ૧૩ હજાર એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્યવ્યાપી ઝુંબેશ ઉપાડી છે, તેના લીધે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અકબરભાઈ ખેતીની વાત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સીઝનલ શાકભાજી ઉગાડે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી તેમનો ખર્ચ ઓછો થયો છે અને ઉત્પાદન તથા નફો વધુ થયો છે. તેમના ખેતરમાં ઉગાડેલી શાકભાજીનું સીધું વેચાણ સાણંદ કે અમદાવાદના બજારમાં કરે છે. લોકોને શુદ્ધ વસ્તુ મળતા તેના બજારમાં ભાવ પણ સારા મળે છે જેથી સારો એવો નફો મળે છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા અકબરભાઈ ગાયોના છાણ અને મૂત્રનો ઉપયોગ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભ એવા આચ્છાદન અને વાપ્સાનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. પ્રાકૃતિક ખેતીમાં તેમનો પૂરો પરિવાર તેમને સાથ આપે છે.