પંચકુલામાં એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ

નવી દિલ્હીઃ પંચકુલાની મોરની વિસ્તાર વિસ્તારમાં એક ફાઇટર જેટ ક્રેશ થયું છે. બાદલવાલા ગામની નજીક ફાઇટર જેટ તૂટી પડ્યું હતું. એનાથી ગામમાં ડરનો માહોલ ઊભો થયો હતો. જોકે ફાઇટર જેટ તૂટી પડવાથી રાઇલટ પેરાશૂટ દ્વારા છલાંગ લગાવી દીધી હતી. જેથી પાઇલટનો જીવ બચી ગયો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ફાઈટર જેટનો પાયલોટ દુર્ઘટના બનતાં તુરંત જ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડ થયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં તપાસ માટે નિષ્ણાતોની ટીમને પણ નિરીક્ષણ કરવા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

આ દુર્ઘટના એટલી ભયાવહ હતી, તેનો અંદાજ વિમાનની હાલત જોઈને જ લગાવી શકાય છે. જેટ ક્રેશ થતાં જ ચારે બાજુ તેના નાના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. જેગુઆર ફાઈટર જેટ નિયમિત ધોરણે ટ્રેનિંગના ભાગરૂપે ઉડાન ભરે છે. તે દરમિયાન આજે અંબાલામાં ટેક્નિકલ ખામી સર્જાતાં દુર્ઘટના બની હતી. પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયો હતો. પાઇલટે સુરક્ષિત બહાર નીકળતાં પહેલાં જ જેટને વસ્તીથી દૂર લઈ જવામાં સફળ રહ્યો હતો.

વાયુ સેનાએ આ અંગે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે  ભારતીય વાયુસેનાનું એક જેગુઆર જેટ ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ ઘટના પાછળનું સત્ય જાળવા માટે વાયુ સેનાએ તપાસના આદેશ આપ્યા છે તેમ જ સ્પેશિયલ ટીમને નિરિક્ષણ કરવા પણ મોકલી છે. આ તપાસ પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન ઘટે તે છે. આ પરિસ્થિતિમાં અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે.