અમદાવાદની સરકારી શાળામાં યોજાયો અનોખો જીવનલક્ષી સમર કેમ્પ

અમદાવાદ: શિક્ષક કભી સાધારણ નહીં હોતા… આ વાક્ય ઘણાં શિક્ષકો સાર્થક કરી બતાવે છે. એ શિક્ષક ખાનગી શાળાના હોય કે સરકારી શાળાના. સામાન્ય રીતે લોકમાનસ પર એવી છાપ અને માન્યતા છે કે વધુ ફી લેતી ખાનગી શાળાઓ કે ક્લાસિસ શ્રેષ્ઠ શિક્ષણ આપે. પરંતુ એ માન્યતા છેવાડાના માણસ સુધી શિક્ષણ આપતી સરકારી શાળાના શિક્ષકો અસંખ્ય વખત તોડી ચૂક્યા છે. એકદમ નાનું ગામ હોય કે શહેરનો સ્લમ વિસ્તાર શ્રેષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષક શાળાને સુંદર બનાવવા અને વિદ્યાર્થીઓને અવનવી તાલીમ આપવા સતત પ્રયત્નશીલ હોય છે. અમદાવાદના રાયખડની એક સરકારી શાળાના શિક્ષકોએ ભેગા મળી આ ઉનાળે વિદ્યાર્થીઓને રમતગમત અને જીવનલક્ષી તાલીમ સાથે નવી રાહ બતાવી.નગર શિક્ષણ સમિતિ રાયખડ શાળા નંબર-8ના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારી શાળામાં આવતા વિદ્યાર્થીઓ આર્થિક રીતે વધારે સક્ષમ નથી હોતા. આ બાળકોના માતા-પિતા ઉનાળુ વેકેશન પડે એટલે મનોરંજન, રમત-ગમત કે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસિસ કે કેમ્પ માટે આર્થિક બોજ ઉપાડી શકે નહીં. એટલે જેવું શાળામાં વેકેશન પડ્યું એ પછી અમે શિક્ષકોએ ભેગા મળી કેટલીક વિસરાઈ ગયેલી રમતો અને જીવનલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓને કઈ બાબતોથી આપી શકાય એવો કોર્સ ડિઝાઇન કર્યો.”

 

આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી સ્કિલ ડેવલપમેન્ટ માટે ભરત કામ, કેશ ગૂંથણ, દાંડિયા ડેકોરેશન, વેસ્ટ માંથી બેસ્ટ, ચિત્રકામ, રંગ પૂરણી, છાપકામ, કાગળકામ, માટીમાંથી રમકડાં બનાવવા, મહેંદી શીખવાડવામાં આવ્યા હતા. આ સાથે દેશ-દુનિયાના મહાન પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. નાની વયે જ બાળકોમાંથી અંધશ્રધ્ધા દુર થાય એવા વૈજ્ઞાનિક પ્રયોગો કરી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બ્રજેશ પટેલ વધુમાં ઉમેરે છે, “ઉનાળુ વેકેશનના આ કેમ્પમાં બાળકોને વિસરાઈ જતી રમતો લખોટી, ભમરડાં, આંધળી ખિસકોલી, દડો સાથે નવી ક્રિકેટ બેડમિંટન જેવી અનેક રમત-ગમતની પ્રવૃત્તિઓ કરાવી હતી.”

સૌથી મહત્ત્વની વાત એ છે કે રાયખડની આ શાળાના સંનિષ્ઠ શિક્ષકોએ ભણતર-ગણતર અને રમત-ગમતની નિ:શુલ્ક તાલીમ આપી. દેશના ભવિષ્યને મદદ કરવા પ્રયત્ન કર્યો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)