સંસ્કૃત માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની પ્રાચીન ભાષા છે. જેમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૃઢ રહસ્યો છુપાયેલાં છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. તમામ ધર્મના તત્વચિંતકો અને બુધ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલાં છે. કેમ કે સંસ્કૃત એ પૂર્ણ ભાષા છે. ‘વસુદેવ કુટુમ્બકમ’નું સૂત્ર આપનાર સંસ્કૃત આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસાના પ્રતીક જેવી ભાષા આપણી વચ્ચે દિવસે-દિવસે સીમિત બનતી જાય છે.
સંસ્કૃત ભાષાને ફરીથી લોકો સુધી લઈ જવા માટે અમદાવાદની એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરીટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યા છે. આ બંન્ને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃતયાત્રા’ નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના ખાનપુર ખાતે આવેલ ભવન્સ કોલેજ કેમ્પસમાં જે. એ. ઓડીટોરિયમ ખાતે ‘સંસ્કૃતયાત્રા’ નૃત્યનાટિકા પ્રસ્તુત કરવામાં આવશે. 17મી માર્ચના રોજ સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન આ પ્રસ્તુતી કરવામાં આવશે. આ નૃત્યનાટિકાની પરિકલ્પના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર મિહિરભાઈ ઉપાધ્યાયની છે. જેમાં તેમને બીજા કલાગુરૂઓ માધવી ઝાલા, ઝંખના શાહ અને ભક્તિ ઓઝાનો સાથ મળ્યો. 65 કલાકારો સંસ્કૃત ભાષામાં જુદા-જુદા વિષયોની પ્રસ્તુતિ કરવાના છે. જેમાં મોટાભાગના કલાકારો સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા છે.
આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષામાં જે જ્ઞાનનો ભંડાર છે. તે જ્ઞાન પરંપરાને લોકો સુધી લઈ જવાનો છે. વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃતમાં જુદા-જુદા વિષયો આજના આધુનિક સમયમાં પણ એટલાં જ પ્રસ્તુત છે. દરેક પ્રશ્નોના જવાબ અને દરેક વિષયોનો સાર સંસ્કૃત ભાષામાં છે. આ જ્ઞાનનો સામાન્ય લોકોને સરળતાથી પરિચય થાય તે માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
એકલવ્ય સંસ્કૃત એકેડમી 2005થી સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કાર્યરત છે. જેમાં સિનિયર KGથી લઈને સિનિયર સિટિઝન માટે સંસ્કૃત ભાષા શીખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેવી જ રીતે સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ 2018થી કાર્યરત છે. જે ઝૂંપડપટ્ટીના બાળકોને સંસ્કૃત ભણાવવા પ્રોજેક્ટ ‘છાયા’ ચલાવે છે. તેવી જ રીતે આર્થિક રીતે નબળા બાળકોને સંસ્કૃત ભણવામાં મદદ કરે છે. સાથે જ સંસ્કૃત લેખકોને પુસ્તક પ્રકાશિત કરવામાં પણ મદદ કરે છે. સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવનાબેન રાવલના માર્ગદર્શન હેઠળ અન્ય પણ કેટલાંક કાર્યક્રમો ચાલે છે. એકલવ્ય સંસ્કૃત એકેડમી કલ્ચરલ પ્રોગ્રામ, સંગીતોત્સવ, લિચરેચર ફેસ્ટિવલ સહિત સંસ્કૃત ગરબાના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. જેથી કરીને સંસ્કૃત ભાષામાં રહેલો જ્ઞાનનો ખજાનો સામાન્ય જન સુધી પહોંચી શકે. તેના જ પ્રયાસરૂપ આ કાર્યક્રમ છે. જેને નીહાળવા માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફ્રી ફોર ઓલ છે.