અમદાવાદ પ્લેન ક્રેશ : PM મોદી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા

ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું. આ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે પ્લેનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. વિમાન ક્રેશ સ્થળની મુલાકાત લીધા બાદ, વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશમાં ઘાયલ લોકોને મળ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 40 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પીએમ મોદી અમદાવાદમાં ક્રેશ સ્થળ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પહોંચ્યા છે. વડાપ્રધાને અકસ્માતની સમીક્ષા કરી છે.

ગુરુવારે બપોરે લગભગ 1:40 વાગ્યે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી, સવારે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.

દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ એક પડકાર છે અને આ માટે DNA નમૂના લેવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસ બે સ્તરે શરૂ થઈ ગઈ છે, જેમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિનો સમાવેશ થાય છે. બ્લેક બોક્સથી અકસ્માતના કારણો બહાર આવવાની અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માત સમયે વિમાનમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી. બધાને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પછી, મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં ક્રેશ થયું.