અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને ભાઈ બલરામની રથયાત્રા પહેલાના કાર્યક્રમો પૂજા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે. 10મી મે, 2024ને શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના શુભ દિવસે સવારના સમયે ભગવાન જગન્નાથ અને સાથેના રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
જગન્નાથ મંદિર સામે રથ મુકવામાં આવ્યા અને પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવી હતી. રથોના પૂજન વખતે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો તેમજ ભક્તો ખાસ હાજર રહ્યા હતા.
અક્ષય તૃતિયાએ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. આ દિવસથી જ રથનું સમારકામ સુશોભન અને જાળવણીનું કામ શરૂ થઈ જાય છે. ચંદન યાત્રા અને રથ પૂજનના કાર્યક્રમ સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા હતા.
ત્રણેય રથોને ફૂલો અને અન્ય સામગ્રીથી શુષોભિત કરી આકર્ષક બનાવવામાં આવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)