અમદાવાદ એરપોર્ટ નજીકની તંદૂર હોટલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

અમદાવાદ: એરપોર્ટ પાસે તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી આવતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસને લઈને હોટેલના તમામ CCTV ચેક કર્યા હતા. જેમાં નસરીનનો હત્યારો મળી ગયો. પોલીસે હાલ આ મામલે શંકાના આધારે ચિંતન વાઘેલા નામના યુવકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ચિંતન વાઘેલા નામનો યુવક નસરીનબાનુ સાથે રૂમમાં ગયો હતો. ત્યારબાદ યુવક એકલો ત્યાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રૂમમાં કોઈ પ્રવેશ્યુ હોય તેવું જણાતું નથી. બાદમાં નસરીન મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસનું માનવું છે કે, ચિંતને નસરીનને ગળે ટૂંપો આપી હત્યા કરી હશે. બાદમાં તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના? 

મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી. આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.