કલાકારોની નજરે સરદાર

અમદાવાદ: સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ જે સંસ્થાના પ્રમુખ હતા એ નવજીવન ટ્રસ્ટ માટે બેવડા હરખની ક્ષણ છે. ૩૧ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું‌. નવજીવનના આ ઐતિહાસિક ભવને ગૌરવવંતાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. નવજીવન ટ્રસ્ટના આંગણામાં આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલાસાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા સરદાર માટે એક અનોખું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.આર્ટિસ્ટ સંવેદના વૈશ્ય ચિત્રલેખા.કોમને કહે છે, “આ પ્રદર્શનનો મુખ્ય વિષય છે: ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ.”

આ આર્ટ એક્ઝિબિશન સરદારની ૧૫૦મી જન્મજયંતી અને નવજીવન ટ્રસ્ટ ભવનના ૭૫ વર્ષના સંગમને વંદન કરે છે. નવજીવન પરિવાર સાથે જોડાયેલા આ આર્ટિસ્ટ મિત્રો કળાના માધ્યમથી ભવ્ય ભૂતકાળનું પુણ્યસ્મરણ કરી સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.સંવેદના વધુમાં કહે છે, “મેં ગાંધીજી પર ઘણું કામ કર્યું. પણ જ્યારે સરદાર પર કામ કરવાનો અવસર આવ્યો ત્યારે એમને વાંચ્યા. વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી ખબર પડી કે એ ખરેખર સરદાર હતા. આ સાથે લોખંડી પુરુષ હતા જેમણે આ મહાન દેશમાં રજવાડાને ભેળવ્યા. એમને ભારત રત્ન બહુ જ પહેલા મળવા જેવો હતો. આ પ્રદર્શનમાં ભારત રત્નની કૃતિ અને સરદારનું વિશાળ પોર્ટ્રેટ તેયાર કરવાનો અવસર મને મળ્યો.”ગાંધીજીનું માનસ સંતાન એવા નવજીવનની આ ઇમારતે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા. પણ એની શુભ શરૂઆત ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શનમાં ‘નવજીવન’ સાપ્તાહિકનો પ્રથમ અંક પ્રગટ થયેલો. એ પછી દસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીએ કાગળ પર નવજીવન ટ્રસ્ટની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને ટ્રસ્ટના પ્રમુખ પદે નીમ્યા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી સરદાર નવજીવનની ધુરા સંભાળી હતી. છેલ્લાં ૧૦૬ વર્ષથી નવજીવન માત્ર એક પ્રકાશન સંસ્થા નથી રહી. ગાંધીજીના વિચારોને જીવંત રાખી નવી પેઢી સુધી આ વારસાને પહોંચાડવા અલગ-અલગ સ્વરૂપમાં નવજીવન સક્રિય રહી છે.ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કલાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ આપવાનો પ્રયાસ થયો છે. આ પ્રદર્શન પુરાવો છે કે ઇમારતો, પુસ્તકો અને દસ્તાવેજો પૂરતું સરદારનું જીવન અને કાર્ય સીમિત નથી. અખંડ ભારતના શિલ્પી, કુશળ લોકનાયક અને વિચારવંત સેવક તરીકે સરદાર દરેક પેઢી સુધી પહોંચતું પ્રેરણાનું અજવાળું છે.

આ પ્રદર્શનમાં કુલ 15 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં અવની વરિઆ, ભારવી ત્રિવેદી, દીપ્તિ શુક્લ, ગોપાલ પરમાર, જયેશ શુક્લ, જીગ્ના ગૌદાના, બંસિધર ખત્રી, મહેન્દ્ર મિસ્ત્રી, મિલન દેસાઈ, નિલેશ સુથાર, રાકેશ પટેલ, રોમા પટેલ, રોનક સોપારીવાલા, સંવેદના વૈશ્ય અને સુમેધ કુમાર કિશનનો સમાવેશ થાય છે. નવજીવન ટ્રસ્ટમાં રેઝોનન્સ – સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય.. પ્રદર્શન 31 ઓક્ટોબર 2025ના રોજ અમિત અંબાલાલના હસ્તે ખુલ્લું મુકાયા બાદ તા 15 ડિસેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન જોઈ શકાશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)