અમદાવાદની તક્ષવીએ 6 વર્ષની વયે રચ્યો ઈતિહાસ, નોંધાવ્યું ગિનિસ બુકમાં નામ

અમદાવાદ: શહેરની 6 વર્ષની તક્ષવી વાઘાણીએ સ્કેટિંગમાં એવું અદ્ભુત કામ કર્યું કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું. આ ઉંમર બાળકો માટે રમવા-કૂદવાની હોય છે, પરંતુ તક્ષવીએ પોતાની સિદ્ધિથી ન માત્ર તેના પરિવારને જ, પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું છે. તક્ષવીએ સૌથી ઓછી ઉંચાઈની લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરથી વધુનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

તક્ષવી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર 6 વર્ષની છે અને તેના માતા-પિતા બંન્ને ડોક્ટર છે. આજે બાળકો અનેક રમતોમાં આગળ વધી રહ્યા છે. ત્યારે સ્કેટિંગમાં પણ અનેક પ્રકારો આવેલા છે. જે પૈકી લિમ્બો સ્કેટિંગ સૌથી અઘરૂં સ્કેટિંગ કહેવાય છે. સમગ્ર અમદાવાદમાંથી માત્ર તક્ષવી વાઘાણી જ લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે ભાગ લઈ રહી છે.

કોરોનાકાળમાં દીકરીએ રમત-ગમત સાથે કેવી રીતે જોડવી એ વિચારના પગલે તક્ષવીના માતા-પિતાએ તેને અલગ-અલગ રમતો સાથે પરિચય કરાવ્યો. સ્કેટિંગ, કરાટે, સ્વીમિંગ બધામાં જ નાનકડી તક્ષવીને રસ પડ્યો. નાની ઉંમરથી મનોબળ એટલું મજબૂત કે દરેક રમતમાં હોંશિયાર અને આગળ વધવું ગમે. માત્ર પાંચ વર્ષની ઉંમરે તક્ષવીએ અંડર-7માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો અને સિલ્વર મેડલ પણ મેળવ્યો. પંજાબમાં યોજાયેલી આ સ્પર્ધામાં 1 ડિગ્રી તાપમાને જ્યારે તક્ષ્વીએ પર્ફોર્મ કર્યું અને મેડલ જીત્યો. ત્યારથી તેના પેરેન્ટ્સ અને કોચ બંન્નેને લાગ્યું કે આ દીકરી ચોક્કસથી સ્કેટિંગમાં આગળ વધશે. આજે એમની આશા અને મહેનત બંન્ને ફળ્યા અને તક્ષ્વીએ સમગ્ર દેશનું નામ રોશન કર્યું. ત્યાર બાદ લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ.

લીમ્બો સ્કેટિંગ માટે વિશેષ ગ્રાઉન્ડની આવશ્યકતા હોય છે અને તેના માટે શહેરમાં કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી. પરિણામે તેની ટ્રેનિંગની શરૂઆત સોસાયટીના બેઝમેન્ટ તેમજ મુખ્ય હાઇ-વેનાં સર્વિસ રોડ પર થઈ હતી. રોડ સમતળ નાં હોવાથી અનેક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો. જો કે તક્ષવી અને તેનાં માતા-પિતાએ હાર માની નહીં.

તક્ષવીની સાથે તેના પિતા હર્નિલભાઈ વાઘાણી અને મમ્મી દેવાંશીએ પણ ખુબ જ પરિશ્રમ કર્યો. દીકરીની મહેનતની નોંધ લેવાય તે માટે તેમણે ગિનિસ બુકમાં નામ નોંધવવાનું નક્કી કર્યું. હર્નિલભાઈએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, “ગિનિસ બુકમાં નામ કઈ રીતે નોંધવવું એની કોઈપણ પ્રકારની જાણકારી અમને ન હતી. આથી અમે ઈન્ટરનેટના માધ્યમથી બધું જાણતા. ત્યાં પહોંચવા માટે શરૂઆત અમે ભારતથી કરી. ભારતમાં અમે સૌપ્રથમ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રયત્ન કર્યો. જેમાં તક્ષ્વી સફળ થઈ. ત્યારબાદ ગિનિસ બુક માટેની તૈયારીઓ કરી. તેમાં છ મહિનાનું વેઈટિંગ હોય છે. આ દરમિયાન અમે તક્ષવીને ખુબ જ મહેનત કરાવી. એના રેકોર્ડ માટે ક્યા પ્રકારની રોડ્સ જોઈશે? તેમાં કેવા પ્રકારનું મટરિયલ વાપરવું પડશે? તે દરેક નાની-નાની વાતોનું ધ્યાન રાખ્યું. કારણ કે, ગિનિસ બુક્સમાં તો તમને એક જ ચાન્સ મળે જો તમે સફળ તો સફળ અને નિષ્ફળ તો નિષ્ફળ એવું હોય છે. જો કે તક્ષવીની મહેનત અને દરેકના આર્શીવાદથી આજે તેણે ભારતનું નામ રોશન કર્યું છે.”

લિમ્બો સ્કેટિંગને ન માત્ર ભારતમાં પરંતુ આતંરરાષ્ટ્રિય સ્તરે પણ હજુ જોઈએ એટલું પ્રોત્સાહન મળ્યું નથી. તેની વિશ્વ કક્ષાની મોટી પ્રતિયોગિતાઓ યોજાતી નથી. આથી હવે તક્ષવીને આગળ આ ફિલ્ડમાં કઈ રીતે લઈ જવી તેના પર હર્નિલભાઈ અને દેવાંશીબેન વિચારી રહ્યા છે. જો કે નાનકડી તક્ષવી સ્કેટિંગની સાથે-સાથે સ્વિમિંગ અને ડાન્સમાં પણ માહેર છે. આથી તેમને ખાતરી છે કે તે સ્પોર્ટ્સમાં આગળ પણ દેશનું નામ રોશન કરતી રહેશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)