ઓલિમ્પિક્સ બાદ પેરિસથી સીધા ભારત ન આવી શક્યા નીરજ ચોપરા

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત માટે સિલ્વર જીતનાર તે એકમાત્ર ખેલાડી હતો. આ સિવાય અન્ય ભારતીય ખેલાડીઓએ 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિક 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું. આ પછી 13 ઓગસ્ટના રોજ નીરજ અન્ય ભારતીય ખેલાડીઓ સાથે ભારત પરત ફરવાનો હતો, પરંતુ નીરજ ભારત પરત ફરવાના બદલે પેરિસથી સીધા જર્મની ગયા. પણ નીરજને અચાનક જર્મની કેમ જવું પડ્યું?

વાસ્તવમાં, નીરજને મેડિકલની સલાહ પર જર્મની જવાનું થયું. નીરજ ચોપરા હર્નિયાથી પીડિત છે, જેના કારણે તેને જર્મની જવું પડ્યું. નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરાએ ‘આજ તક’ સાથે વાત કરતા નીરજના જર્મની જવા અને મેડિકલ સલાહ અંગે ખુલાસો કર્યો હતો. (હર્નીયા એ પેટની સ્નાયુની નબળાઈ સાથે સંબંધિત બિમારી છે)

ભારતીય સ્ટારના કાકાએ જણાવ્યું કે નીરજ સારવાર માટે સીધો પેરિસથી જર્મની ગયો છે. તેણે વધુમાં કહ્યું કે જો જરૂર પડશે તો નીરજની સર્જરી પણ કરાવી પડશે. તે લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહેશે.

તમને જણાવી દઈએ કે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે ગ્રોઈન સમસ્યાને કારણે તે બહુ ઓછી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. આ દરમિયાન તેણે સર્જરી વિશે પણ વાત કરી હતી. મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું,”હું મારી ટીમ સાથે વાત કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ.મારા શરીરની હાલની સ્થિતિ છતાં હું મારી જાતને આગળ ધપાવી રહ્યો છું. મારી અંદર ઘણું બધું છે અને આ માટે મારે મારી જાતને ફિટ રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સિદ્ધ કર્યો છે. આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો હતો, જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો.