બોલિવૂડ અભિનેતા રોનિત રોયે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવાની ઘટના અંગે વાત કરતા એક મોટો ખુલાસો કર્યો છે. હવે આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
રોનિત રોયે જણાવ્યું કે સૈફ પર હુમલો થયા પછી તરત જ કરીના કપૂર ખાનની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન કરીનાને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ, આ ઘટનાએ અભિનેત્રીને હચમચાવી દીધી હતી. રોનિત, જેની સુરક્ષા એજન્સી સૈફ અને કરીનાની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવી હતી,તેમણે બેબો પર થયેલા હુમલા વિશે જણાવ્યું.
હિન્દી રશને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં, રોનિતે આ ઘટનાને યાદ કરતા કહ્યું, ‘સૈફ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે પરત ફરી રહ્યો હતો. દરેક જગ્યાએ ભારે ભીડ અને મીડિયા હતું. જ્યારે કરીના પણ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો. તેથી તે ડરી ગઈ.’ તેમણે આગળ કહ્યું, ‘આસપાસ મીડિયા હોવાથી, લોકો ખૂબ નજીક આવી ગયા હતા અને તેમની કાર થોડી હલી ગઈ હતી. ત્યારે જ તેમણે મને સૈફને ઘરે લાવવા કહ્યું. તેથી હું તેને લેવા ગયો અને જ્યારે તે ઘરે પહોંચ્યો, ત્યારે અમારી સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ તૈનાત હતી. ઉપરાંત, અમને પોલીસ દળનો સંપૂર્ણ સહયોગ મળ્યો. હવે બધું બરાબર છે.’ રોનિતે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે કરીના અને સૈફ પર હુમલા પછી, તેણે બાંદ્રામાં તેમના ઘરની તપાસ કરી અને જોયું કે ત્યાં કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહોતી. તેણે તેમને એ પણ કહ્યું કે ઘરમાં સુરક્ષા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેણે તેમને આ વિશે પણ સલાહ આપી, ત્યારબાદ તેઓએ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી.
16 જાન્યુઆરીના રોજ, સૈફ પર એક વ્યક્તિએ હુમલો કર્યો જેણે તેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે અભિનેતા તેના નાના પુત્ર જેહને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ઘુસણખોરે તેના પર અનેક વાર છરીના ઘા કર્યા. આ ઘટના પછી, સૈફને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સર્જરી કરવામાં આવી. પાંચ કલાકના ઓપરેશન પછી, તેની કરોડરજ્જુમાંથી 2.5 ઇંચનો બ્લેડનો ટુકડો કાઢવામાં આવ્યો.સઘન તપાસ બાદ આખરે મુંબઈ પોલીસે ઘુસણખોરને ઝડપી પાડ્યો હતો.
