અદાણી ગ્રુપ દ્વારા છત્તીસગઢમાં 60,000 કરોડના મૂડીરોકાણનું એલાન

રાયપુરઃ અદાણી ગ્રુપે છત્તીસગઢમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી છે. ગ્રુપ દ્વારા વિવિધ ક્ષેત્રમાં ઉદ્યોગોના વિસ્તરણ માટે ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. વધુમાં, કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના રૂ. 5000 કરોડનું પણ મૂડીરોકાણ કરશે. શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યટનમાં વિકાસ સાથે રોજગારોનું સર્જન થશે.

છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ સાથેની મુલાકાતમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રાજ્યની ઔદ્યોગિક અને માળખાગત ક્ષમતાઓને વધારવા માટે એક મોટી યોજનાનું અનાવરણ કર્યું હતું. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તે રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 6120 મેગાવોટ સુધી વધારવાના ઉદ્દેશથી કોરબા, રાયપુર અને રાયગઢમાં તેના પાવર પ્લાન્ટનું વિસ્તરણ કરવા રૂ. 60,000 કરોડનું રોકાણ કરશે.

પાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા ઉપરાંત અદાણી ગ્રુપ રાજ્યમાં તેના સિમેન્ટ પ્લાન્ટને આગળ વધારવા માટે રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે. ગૌતમ અદાણી સાથેની આ મુલાકાતમાં આ માહિતી છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈની ઓફિસ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી હતી.

આ સાથે ચેરમેન ગૌતમ અદાણીએ CM સમક્ષ આગામી 4 વર્ષમાં CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 10,000 કરોડ રૂપિયાના કાર્યો કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે. આ ભંડોળ રાજ્યની મહત્વપૂર્ણ વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરશે.

આ બેઠકમાં સંરક્ષણ સંબંધિત સાધનોના ઉત્પાદન અને છત્તીસગઢમાં એક અત્યાધુનિક ડેટા સેન્ટર ખોલવા અને GCC એટલે કે ગ્લોબલ કેપેસિટી સેન્ટર સ્થાપવા જેવા ક્ષેત્રોમાં શક્ય સહયોગ અંગે પણ વિચારણા કરવામાં આવશે. અદાણી જૂથના આવા પ્રયાસોથી રોજગારીની તકો ઊભી થશે અને રાજ્યના વિકાસને વધુ વેગ મળશે.