અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ભાગીદારી માટે સમજૂતી કરાર કર્યા

અમદાવાદઃ  અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીઝ લિમિટેડ (ADSTL) એ સંયુક્ત સાહસ કંપની હોરિઝોન એરો સોલ્યુશન્સ લિમિટેડ મારફતે અને પ્રાઇમ એરો સર્વિસિઝ LLP સાથે ભાગીદારીમાં ઇન્ડામેર ટેક્નિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ITPL) માં 100 ટકા હિસ્સો મેળવવા માટે સમજૂતી કરાર કર્યો છે. હોરિઝોન એ ADSTL અને પ્રાઇમ એરો (પ્રજય પટેલની માલિકીની કંપની) વચ્ચે 50-50 ટકાનું ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.

નાગપુરના MIHAN વિશેષ આર્થિક ઝોન (SEZ)માં વ્યૂહાત્મક રીતે સ્થિત ITPL એ 30 એકરના પ્લોટ પર આધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઊભી કરી છે. આ પ્લાન્ટમાં 10 હેંગર સાથે 15 વિમાન રાખવાની ક્ષમતા છે. ITPLને DGCA, FAA (US) અને અન્ય વૈશ્વિક નાગરિક એવિયેશન રેગ્યુલેટર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપની ભારતીય અને વૈશ્વિક અગ્રણી ગ્રાહકોને લીઝ રિટર્ન ચેક, હેવી C-ચેક, સ્ટ્રક્ચરલ રિપેર અને એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિતની MRO સેવાઓ પ્રદાન કરે છે.

ભારતીય એવિયેશન ઉદ્યોગે અદભુત ટ્રાન્સફોર્મેશન જોયું છે અને મુસાફરોની અવરજવર અનુસાર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આગામી વર્ષોમાં ભારતીય કેરિયર્સ 1500 કરતાં વધુ વિમાનો ઉમેરશે, જે એવિયેશન માટે નવા યુગની શરૂઆત છે. આ હસ્તાંતરણ ભારતને અગ્રણી વૈશ્વિક MRO ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાની અમારી યાત્રામાં આગામી પગલું છે. અમે વિશ્વ સ્તરીય ગુણવત્તા ધોરણો અને ગ્રાહક સંતોષ પર આધારિત એક સિંગલ-પોઇન્ટ એવિયેશન સર્વિસિસ પ્લેટફોર્મ બનાવવાનું ધ્યેય ધરાવીએ છીએ. ભારતના આકાશના ભવિષ્યને આકાર આપવા અમે પ્રતિબદ્ધ છીએ, એમ અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જીત અદાણીએ કહ્યું હતું.

આ હસ્તાંતરણ વ્યાવસાયિક અને સંરક્ષણ બંને એવિએશન ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરતી સંપૂર્ણ MRO ઓફર પ્રદાન કરવાની અમારી દ્રષ્ટિમાં એક મહત્વપૂર્ણ તબક્કો છે. એર વર્ક્સને અમારી પોર્ટફોલિયોમાં ઉમેર્યા બાદ આ પગલું અમારી ક્ષમતા અને MRO ક્ષેત્રમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવે છે, એમ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના CEO  આશિષ રાજવંશીએ કહ્યું હતું.

અમે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથે ભાગીદારી કરીને ઇન્ડામર ટેક્નિક્સને નવી ઊંચાઇ પર લઈ જવા ઉત્સાહિત છીએ. આ સહકાર એન્જિનિયરિંગ કુશળતા સાથે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની પૂંજીને જોડે છે. અમારું સંયુક્ત લક્ષ્ય એ છે કે ભારતમાંથી એક વિશ્વ સ્તરીય MRO  ઇકોસિસ્ટમ બનાવવી, જે વૈશ્વિક સ્તરે ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સને અસાધારણ મૂલ્ય પ્રદાન કરે, એમ પ્રાઇમ એરો અને ઇન્ડામર ટેક્નિક્સના ડિરેક્ટર પ્રજય પટેલે જણાવ્યું હતું.