એક્ટ્રેસ, DGPની પુત્રીની સોનાની દાણચોરીમાં ધરપકડ, જાણો…

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બેંગલુરુ એરપોર્ટ પર કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવની પાસે રૂ. 12 કરોડથી વધુનું 14.8 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓએ એક્ટ્રેસની ધરપકડ કરી છે. એક્ટ્રેસ ધરપકડ પછી આર્થિક અપરાધ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, કોર્ટે તેને 14 દિવસની હિરાસતમાં મોકલી દીધી છે. રાન્યા રાવ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે.

કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી જાણીતી હિરોઈન રાન્યા રાવ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ છે. તે દુબઈથી સોનાના કન્સાઈનમેન્ટ લઈને બેંગલુરુ એરપોર્ટ પર ઊતરી હતી. રાન્યા તેના પિતાના પદના પ્રભાવનો ગેરફાયદો ઉઠાવીને દાણચોરી કરતી હતી.

હાલમાં DRIની ટીમે રાન્યા રાવને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાન્યા રાવ પોલીસ મહાનિર્દેશક રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રાન્યાની માતાએ રામચંદ્ર રાવ સાથે બીજાં લગ્ન કર્યા છે. રાન્યાએ ભૂતકાળમાં કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ખૂબ જ ચર્ચિત ફિલ્મોમાંની એક હતી માણિક્ય. જો કે બાદમાં તે દાણચોરીના ધંધામાં લાગી ગઈ હતી, એમ DRIએ જણાવ્યું હતું.

તે લાંબા સમયથી દુબઈથી ભારતમાં સોનાની દાણચોરી કરી રહી હતી. DRIના અધિકારીઓ રાન્યા રાવને ઈન્વેસ્ટિગેશન રૂમમાં લઈ ગયા અને તેનાં કપડાંની તપાસ કરી. રાન્યાએ તેનાં કપડાંના અંદરના ભાગમાં 14.8 કિલો સોનાનું પડ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. DRIના અધિકારીઓના જણાવ્યા અનુસાર અભિનેત્રી રાન્યા રાવ પાસેથી મળેલી સોનાની કિંમત, ખુલ્લા બજારમાં 12 કરોડ રૂપિયાથી વધુ છે. હવે DRIએ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.