અભિનેતા શરદ કેલકરે વિદ્યાર્થીઓને AIમાં નિપુણ બનવા અનુરોધ કર્યો

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમ “દીક્ષારંભ-2025” 11 ઓગસ્ટના રોજ યોજાયો હતો. જેમાં બોલિવુડ અભિનેતા શરદ કેલકર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.શરદ કેલકરે વિદ્યાર્થીઓને જણાવ્યું કે “NFSUનો ભાગ બન્યા છો તે માટે તમે ખૂબ ભાગ્યશાળી છો, જ્યાં તમને ફોરેન્સિક અને તપાસ પાસાઓ જાણવા મળશે. તમારે AI જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આચરવામાં આવતા ગુનાઓની તપાસ માટે સંશોધન કરવું જોઈએ.” સાથે જ તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપી હતી કે તેઓ AIના ગુલામ ન બને, તેમાં નિપુણ બને.

ડૉ. વ્યાસે જણાવ્યું કે, “અમને જાણ કરવામાં આવી કે કેટલાક સાયબર ગુનેગારો પૈસા મેળવવા માટે શરદ કેલકરના નકલી અવાજનો ઉપયોગ કરી રહ્યા છે. ફિલ્મ ફોરેન્સિક્સના ભાગરૂપે, NFSU શરદ કેલકરના અવાજનું રજિસ્ટ્રેશન કરશે. જેથી, જો તેમના અવાજનો દુરુપયોગ થાય, તો AI ટેકનોલોજીથી ઉત્પન્ન થયેલા નકલી અવાજની ઓળખ માટે NFSU દ્વારા મોકલવામાં આવેલા નમૂનાનું વિશ્લેષણ કરી શકાય. NFSU એવા લોકોને મદદ કરશે, જેઓ AIને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. NFSU વિશ્વના 90થી વધુ દેશોને ફોરેન્સિક ક્ષમતા નિર્માણમાં મદદ કરી રહ્યું છે.” તેમણે એમ પણ ઉમેર્યું કે “એક વિદ્યાર્થી તરીકે, તમે બધાએ પરિપક્વતા સાથે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન મેળવ્યું છે.”