મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી તેમને સીધી રીતે આપવામાં આવી ન હતી, પરંતુ મુંબઈ પોલીસની એક શાખામાંથી ધમકીનો ફોન આવ્યો હતો.આ પછી પોલીસ એક્શનમાં આવી અને શંકાસ્પદને ટ્રેક કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ખબર પડી કે આ ધમકીભર્યો કોલ છત્તીસગઢથી આવી રહ્યો હતો. હવે પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે અને એક શકમંદની અટકાયત કરી છે.મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છત્તીસગઢના રાયપુરમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલમાં મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હાજર છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે.
મુંબઈ પોલીસની ટીમ આજે સવારે રાયપુર પહોંચી હતી, જેના ફોન દ્વારા શાહરૂખ ખાનને ધમકી આપવામાં આવી હતી તે વકીલ ફેઝાનનો હતો અને તેણે દાવો કર્યો હતો કે ફોન ચોરાઈ ગયો હતો, પરંતુ હાલમાં એવી ઘણી બાબતો છે જેના કારણે મુંબઈ પોલીસ સંતુષ્ટ ન હતી અને તેઓ યોગ્ય જવાબો મેળવી શક્યા ન હતા.ફૈઝાન ખાનને મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. થોડા સમય પછી શંકાસ્પદની રાયપુરમાં ધરપકડ કરવામાં આવી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પછી મુંબઈ પોલીસ ફૈઝાન ખાનને મુંબઈ લાવી શકે છે.
શાહરુખ ખાનને મળેલી આ ધમકી વિશે બાન્દ્રા પોલીસને જાણકારી મળી હતી. પોલીસ સ્ટેશનમાં જ ફોન આવ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું હતું. 5 નવેમ્બરના રોજ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો અને આરોપીએ કહ્યું,’પેલો બેન્ડસ્ટેન્ડવાળો શાહરુખ છે એને 50 લાખ રૂપિયા આપવાનું કહે, નહીં તો તેને મારી નાખીશ.’ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું કે તે વ્યક્તિ કોણ બોલી રહ્યો છે તો તેણે કહ્યું કે તે વાતથી કોઈ ફર્ક નથી પડતો મારું નામ હિન્દુસ્તાની લખી દેજે. આ ઘટના બનતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તપાસ શરૂ કરી તો ખબર પડી કે નંબર છત્તીસગઢના એક વ્યક્તિ ફેઝાનના નામ પર રજિસ્ટર્ડ છે. પોલીસે ફેઝાનનો સંપર્ક કર્યો તો સામે આવ્યું કે આ ઘટના બની તેના 2 દિવસ પહેલા તેનો ફોન ચોરી થઈ ગયો હતો અને તે નંબર બંધ નહોતો કરાવી શક્યો. ફેઝાને રાયપુરમાં ફોન ચોરીની ફરિયાદ પણ નોંધાવી હતી.
નોંધનીય છે કે એવું નથી કે પહેલી વાર શાહરુખ ખાનને ધમકી મળી હોય. શાહરુખ ખાન હંમેશા અંડરવર્લ્ડની હિટ લિસ્ટમાં રહ્યાં છે. કરિયરની શરૂઆતના દિવસોમાં પણ તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી, જે અંગે તેમણે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. હાલમાં શાહરુખ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે.