અમદાવાદ: રાજ્યના કોઇપણ નાના-મોટા શહેરોમાં માર્ગો પર લારી, ગલ્લા, ખૂમચા તો જોવા મળી જ જાય. રોડ ઉપર જ વેપાર ધંધો કરવા ટેવાયેલા લોકો શહેરના જૂના વિસ્તારો કે એકદમ પોશ વિસ્તારોમાં પણ પોતાની જગ્યા શોધી લેવામાં નિષ્ણાત હોય છે. સરકારી ઇમારતો, મહાનગર પાલિકાના ખાલી પ્લોટ, મેદાનો, ડીવાઈડરની જગ્યાઓ પર ધંધો કરવા કેટલાંક તત્વો ટાંપીને જ બેઠા હોય છે. શહેરની ફૂટપાથો પર સ્થાપિત હિતોની રહેમ નજર હેઠળ પાથરણાં બજાર, લારી, ગલ્લા, ખૂમચાઓ સતત વધતાં જ જાય છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી શહેરોની ફૂટપાથો અને માર્ગો પરના ડિવાઇડરની વચ્ચેની ત્રિકોણીયા, ગોળ આકારની જગ્યાઓ પર ઝડપથી પૂણ્યનો એક નવો ધંધો વિકસી રહ્યો છે. પક્ષીઓને ચણ નાંખવા માટે પૂણ્યશાળીઓ માટે દાણાં વેચતા લોકો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન ગયું છે. શહેરની 150 કરતાં પણ વધારે જગ્યાઓ પર માર્ગની વચ્ચે જ પક્ષીઓને ચણ નંખાઈ રહ્યું છે. જે શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યા તેમજ સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉભી કરે છે. AMCના અધિકારીઓએ તાજેતરમાં જ આ તારણ કાઢ્યું છે. વહેલી સવારથી જ લોકો પૂણ્યનું ભાથું બાંધવા મંદિરો અને ધર્મ સ્થાનોએ પહોંચી જાય છે. આ સાથે જીવદયા પ્રેમીઓ માર્ગો પર દાણાં વેચતા લોકો પાસે પહોંચી જાય. કેટલાક લોકો ખુલ્લા મેદાનોમાં પક્ષીઓને ચણ નાખતા જાય.ઇન્સ્ટન્ટ અને રેડીમેઇડના આ જમાનામાં ઘેરથી પક્ષીઓ માટે ચણ ના લઇ જવું પડે એટલે રોડ પર જુદા-જુદા દાણા વેચતા લોકોનો ધંધો જોરમાં ચાલી રહ્યો છે. મોટાભાગના મંદિરો અને શહેરની ખુલ્લી જગ્યાઓમાં ઘાંસચારાની લારીઓ અને પક્ષીઓના ચણના થેલા ભરીને બેઠેલા લોકો જોવા મળે છે. પક્ષીઓને અપાતા ચણમાં જુવાર, મકાઇ, મગ, બાજરી ઉપલબ્ધ હોય છે. ઘેરથી લઇ જવાની ઝંઝટ જ નહીં. છેલ્લા કેટલાક સમયથી ચણનો ધંધો સતત વિકસતો જાય છે. માર્ગો પર દબાણ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી મુસીબત ઉભી થઈ છે.આ સાથે પક્ષીઓને છુટ્ટા દાણાં નાખતા હોવાથી ટ્રાફિકને અડચણની સાથે રોગી પક્ષીઓના કારણે શહેરીજનોના સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાવાની શક્યતાઓથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ગયું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)