US કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાનૂની ગણાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જે ટેરિફ દ્વારા અન્ય દેશોને કાબૂમાં લેવા માગતા હતા તેને US કોર્ટે ગેરકાનૂની ગણાવ્યો છે. આથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. જોકે કોર્ટ હજી ટેરિફ લાગુ રાખ્યા છે, પરંતુ તેને લઈને આકરી ટકોર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નિર્ણય બરબાદી લાવી દેશે.

યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી જાહેર કરીને અને વિશ્વના ઘણા દેશો પર આયાત ટેરિફ લગાવીને હદ વટાવી દીધી છે. કોર્ટે ટેરિફને ખોટો અને રાષ્ટ્રપતિની મનમાની ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ટેરિફ વધારવાની નીતિ સંપૂર્ણપણે ગેરકાનૂની છે અને રાષ્ટ્રપતિને ફટકાર લગાવી છે.

ટ્રમ્પે 30 ઓગસ્ટે કોર્ટના આદેશો સામે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે બધા દેશો માટે ટેરિફ નીતિ યથાવત્ છે. તેમણે કહ્યું હતું કે હવે આ નિર્ણયને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ટેરિફ હટાવી દેવામાં આવશે તો અમેરિકા મોટી મુશ્કેલીઓનો સામનો કરશે.

ટ્રમ્પે સોશિયલ મિડિયામાં લખ્યું

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે ટેરિફ હજી યથાવત છે. તેમણે કહ્યું હતું કે કોર્ટે ખોટો આદેશ આપ્યો છે. અમે આ નિર્ણયને મોટી કોર્ટમાં પડકારીશું અને તેમાં જીત અમેરિકાની જ થશે. તેમણે કહ્યું હતું કે જો ટેરિફ હટાવી દેવામાં આવશે તો તે અમેરિકા માટે વિનાશકારી પગલું સાબિત થશે.

ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ

ટેરિફ હટાવવાનો નિર્ણય ન્યુ યોર્કની ખાસ ફેડરલ ટ્રેડ કોર્ટે લીધો છે. જોકે કોર્ટે ટેરિફ યથાવત્ રાખ્યા છે. કોર્ટે તે નિર્ણય રદ કર્યો છે, જેમાં ટેરિફને તરત જ રદ કરવાની વાત કરવામાં આવી હતી. આથી ટ્રમ્પને US સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળી જશે.