મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં ‘અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનુવાદને લગતી ઘણી બધી માહિતી આપવામાં આવી હતી.
‘અનુવાદ આપણને સંશોધક બનાવે છે.કવિતાનું કામ ભાવસભર આનંદ આપવાનું છે ‘ એવું સંચાલન કરતાં ડૉ.દર્શના ઑઝાએ જણાવ્યું હતું. વરિષ્ઠ સર્જક દિનકર જોષી સ્વાસ્થ્યને લગતાં કારણોસર વક્તા તરીકે આવી ન શક્યા પણ ડૉ.દર્શના ઓઝાએ દિનકર જોષીના સર્જનની તથા એમના વિચારબીજ એવા ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા થયેલા અનુવાદોની વાત કરી હતી. આ ઉપરાંત બીજી ભાષાના અનેક પ્રકાશકોએ દિનકર જોષીના 58 જેટલાં પુસ્તકોના અનુવાદ કરાવડાવી અન્ય ભાષાઓમાં પ્રકાશિત કર્યાં છે એની વાત કરી હતી.
કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મરાઠી અને ગુજરાતી ભાષામાં કવિતાનું જે આદાનપ્રદાન થયું છે એની કેટલીક માહિતી આપી. ગદ્યનો અનુવાદ કરવો સરળ છે જ્યાં મૂળ કૃતિનું વાતાવરણ અને લેખકની શૈલીને જાળવીને બીજી ભાષામાં કૃતિનું અવતરણ થાય છે પણ કાવ્યનો અનુવાદ પડકારજનક હોય છે જ્યાં કવિતાના ભાવ ઉપરાંત એનો છંદ, લય, ગેયતા અને સૌંદર્ય જાળવી રાખવાનાં હોય છે. મરાઠી આપણી ભગિની ભાષા છે અને ગુજરાતીના ભાવકને મરાઠી રચના સમજાતી હોય છે એવું એમણે જણાવ્યું હતું. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મંગેશ પાડગાંવકરની કવિતાનો ગુજરાતી અનુવાદ તથા મૂળ મરાઠી રચના બે ય મૂક્યાં હતાં.
ડૉ. કલ્પના દવેએ મરાઠીથી ગુજરાતી અને ગુજરાતી ભાષાથી મરાઠી ભાષામાં થયેલા ગદ્ય અનુવાદની વાત કરી હતી. વિ.સ. ખાંડેકરની સર્વોત્કૃષ્ટ ગણાયેલી “યયાતિ “ વિશ્વાસ રાવ પાટિલની “મહાનાયક” અને “ઝાડાઝડતી” જેવી પ્રશિષ્ટકૃતિઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે. જ્યારે દિનકર જોષીની નવલકથાઓ “પ્રકાશનો પડછાયો”, “અમૃતપંથનો યાત્રી”, “ શ્યામ એક વાર આવોને આંગણે”, “દ્વારકાનો સૂર્યાસ્ત”, કુન્દનિકા કાપડિયાની “ સાત પગલાં આકાશમાં “, વર્ષા અડાલજાની “ અણસાર”, રેતપંખીં” તથા અન્યકૃતિઓ મરાઠીમાં અનુવાદિત થઈ છે એની માહિતી એમણે શ્રોતાઓ સમક્ષ મૂકી હતી. વીરમાતા અનુરાધા ગોરેની યુધ્ધ-શહાદતની કથા “ ઓળખ સિયાચેનચી”નો ગુજરાતી અનુવાદ કલ્પના દવેએ કર્યો છે.
વરિષ્ઠ નાટ્ય તથા ફિલ્મ અને ઓટીટી અભિનેતા અભિજિત ચિત્રેએ દયા પવાર લિખિત પુસ્તક’ બલૂત ‘( અનુવાદ: પ્રતિમા પંડ્યા) તથા વિ.વા.શિરવાડકર લિખિત નટસમ્રાટ (અનુવાદ: વૈશાલી ત્રિવેદી)નું વાચિકમ કર્યું હતું. એમણે મનોજ બોરગાંવકરના કાવ્યસંગ્રહ (અનુવાદ:પ્રતિમા પંડ્યા)માંથી પસંદ કરેલી કાવ્યરચના ડોશી ભાવવાહી રીતે રજૂ કરી. અશ્વિની બાપટ દ્વારા અનુવાદિત પુનિત માતકરના એક મરાઠી કાવ્યનો અનુવાદ પણ એમણે રજૂ કર્યો હતો.
આ અગાઉ કાર્યક્રમની પરિકલ્પના કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે અનુવાદ તમને અલગ વિશ્વનો પરિચય કરાવે છે. અન્ય ભાષાના સર્જકની સર્જકતા, એની દ્રષ્ટિ, એનું ભાવવિશ્વ, એની સંસ્કૃતિ અને એની સંવેદના આ બધું જ એક સારા અનુવાદક દ્વારા આપણી ભાષામાં અવતરે છે અને ભાવક સુધી પહોંચે છે. આ કાર્યક્રમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની યુટ્યુબ ચૅનલ પર માણી શકાશે. કેઈએસ ગુજરાતી ભાષાભવન વતી કીર્તિ શાહે સહુને આવકાર આપ્યો હતો અને ખાસ તો દિનકર જોષીના અનુવાદ ક્ષેત્રના પ્રદાનને પોંખ્યું હતું. વરિષ્ઠ કલાકાર અનુરાગ પ્રપન્ન, યુવા કલાકાર પ્રીતા પંડ્યા, મહાભારતના કથાકાર જિતેન્દ્ર દવે ઉપરાંત અનેક ભાવકોએ કાર્યક્રમ માણ્યો હતો.