મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છેઃ PM મોદી

મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી. જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ, ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતની સર્વોચ્ચ અદાલત આજે 75માં વર્ષની શરૂઆત કરી રહી છે, ત્યારે ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા બે દિવસ અગાઉ ભારતના બંધારણને 75મા વર્ષમાં પ્રવેશ્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પર આધારિત સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું હતું અને સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંતોને જાળવવા સતત પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, વ્યક્તિગત સ્વતંત્રતા હોય કે સામાજિક ન્યાય હોય, સર્વોચ્ચ અદાલતે ભારતની જીવંત લોકશાહીને મજબૂત કરી છે. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત અધિકારો અને વાણીસ્વાતંત્ર્ય પર સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ લીધી હતી, જેણે દેશના સામાજિક-રાજકીય વાતાવરણને નવી દિશા આપી છે.

પીએમ મોદીએ સરકારની દરેક શાખા માટે આગામી 25 વર્ષ સુધીના લક્ષ્યોના માપદંડોને દોહરાવતા કહ્યું કે આજની આર્થિક નીતિઓ આવતીકાલના વાઇબ્રન્ટ ભારતનો આધાર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, આજે જે કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે, તે ભારતના ઉજ્જવળ ભવિષ્યને મજબૂત બનાવશે.

વૈશ્વિક ભૂ-રાજનીતિના બદલાતા પરિદ્રશ્ય વચ્ચે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વની નજર ભારત પર છે અને તેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે આપણા માર્ગમાં આવતી તમામ તકોનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા દેશની ટોચની પ્રાથમિકતાઓમાં જીવનની સરળતા, વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, પ્રવાસ, સંચાર અને ન્યાયની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “ન્યાયમાં સરળતા એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે અને ભારતની સર્વોચ્ચ અદાલત, તેનું માધ્યમ છે.