પાકિસ્તાનમાં દવાઓનો પણ દૂકાળ, મોટી મુશ્કેલીમાં મુકાવાની સંભાવના

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકોને હવે બે વખત ફટકો પડવાનો છે. આતંકવાદના રસ્તે ચાલીને પાકિસ્તાન સાવ નિર્ધન બની ગયું છે. બે રોટલી માટે તડપતા પાકિસ્તાનના લોકો હવે દવાઓ વિના યાતનાના આરે છે. દેશમાં દવાઓનો સ્ટોક ખતમ થવાનો છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, ઓપરેશન થિયેટરમાં હૃદય, કેન્સર અને કિડની સહિતની સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ માટે જરૂરી એનેસ્થેટિક્સનો બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી છે.

પડોશી દેશમાં વિદેશી હૂંડિયામણના ભંડારના અભાવે આવશ્યક દવાઓ અથવા દવા ઉત્પાદન સામગ્રીની ખરીદીને અસર કરી છે. પરિણામે સ્થાનિક દવા ઉત્પાદકોને તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી. દેશમાં દવાઓની અછતને કારણે પાકિસ્તાનમાં ડોક્ટરોએ ઓપરેશન કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી 

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, સર્જરી માટે જરૂરી એનેસ્થેટિક્સનો બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી છે. પાક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ધમકી આપી છે કે તેઓ ઉત્પાદન બંધ કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેમણે ધમકી આપી છે કે જો સરકાર દવાઓના ભાવમાં તાત્કાલિક વધારો નહીં કરે તો તેમની પાસે ઉત્પાદન બંધ કરવાનો એકમાત્ર વિકલ્પ રહેશે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હાથ ઉંચા કર્યા

દવા ઉત્પાદકોનું કહેવું છે કે આગામી 7 દિવસથી વધુ સમય માટે દવાઓનું ઉત્પાદન કરવું અને તેનો સ્ટોક પૂરો પાડવો તેમના માટે સંપૂર્ણપણે અશક્ય બની ગયો છે. પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓ લગભગ 95 ટકા કાચો માલ આયાત કરે છે. તે કાચો માલ ભારત અને ચીન સહિત ઘણા દેશોમાંથી આવે છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે આયાત પર પ્રતિબંધ છે, તેથી અહીંથી મળતો માલ બહારથી આયાત કરવો પડે છે. જેની કિંમત વધુ છે.