ગુજરાત સાયન્સ સિટી ખાતે મેથ્સ કાર્નિવલનું આયોજન કરાયું

અમદાવાદ : દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતમાં નેશનલ મેથેમેટિક્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ખ્યાતનામ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે આ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવે છે. ગણિતના મહત્વ અને ગણિત ક્ષેત્રે શ્રીનિવાસ રામાનુજને આપેલા યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે 22 ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવાની વર્ષ 2012માં ભારત સરકારે જાહેરાત કરી હતી. ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ 22 ડિસેમ્બરે મેથેમેટિક્સ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત રાજ્ય કક્ષાના મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ 25 જિલ્લાના 200થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.

સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું

મેથ્સ કાર્નિવલ અંતર્ગત વિદ્યાર્થીઓએ જાતે મેથ્સને લગતા વિવિધ મોડેલ્સ તેમજ પઝલ્સ બનાવીને તેનું એક્ઝિબિશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મેથ્સની ક્વિઝ અને મેથેમેટિશિયન કેરેક્ટર રોલ પ્લે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઈનોવેટિવ મેથ્સ ટીચિંગ મેથડ પર ટીચર્સ પ્રેઝન્ટેશન પણ યોજાયું હતું. જેમાં ઘણા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતના વિખ્યાત ગણિતશાસ્ત્રીઓની સિદ્ધિ દર્શાવતો હોલ ઓફ ફેમ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર, નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના ચેરમેન ડો. અનિતા શર્મા, ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો. અનિતા શર્માએ શ્રીનિવાસ રામાનુજનના જીવન અને સંઘર્ષ વિશે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપી હતી. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદરે મેથ્સ કાર્નિવલમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યા

મેથ્સ ક્વિઝ, મેથેમેટિશિયન કેરેક્ટર રોલ પ્લે અને મોડેલ્સ એક્ઝિબિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને તેમજ શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન આપનારા શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.