અમદાવાદની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એકનું મોત, 22 લોકો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: ગુજરાતના અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. તેમજ 22 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

બોપલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે 21 માળની ‘ઇસ્કોન પ્લેટિના’ બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી. આગ તરત જ બિલ્ડિંગના 21મા માળે ફેલાઈ ગઈ હતી.

એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 200 થી વધુ રહેવાસીઓને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ઘણા વાહનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે બિલ્ડિંગના આઠમા માળે ‘ઇલેક્ટ્રિક ડક્ટ’માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, પરંતુ વાસ્તવિક કારણની તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધ મહિલા મિલાબેન શાહનું મૃત્યુ થયું હતું. આગ ઓલવવાની કામગીરી શનિવારે સવારે 3.40 વાગ્યા સુધી ચાલુ રહી હતી.