છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે શહેરો અને ગામડાઓના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમો કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. SEOC અનુસાર, છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.
SEOC દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યના 37 તાલુકાઓમાં શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીના 30 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. એસઇઓસીના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં 398 મીમીનો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને અસુવિધા થઈ હતી.
કચ્છનું ગાંધીધામ રેલવે સ્ટેશન ડૂબી ગયું
કચ્છમાં ગાંધીધામ રેલ્વે સ્ટેશન ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયું હતું, જ્યારે જૂનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ, નવસારી, મહેસાણા અને સુરતના અનેક ગામો અને શહેરો પાણીમાં ડૂબી ગયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. SEOCના જણાવ્યા મુજબ, જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં 269 મીમી, જ્યારે વલસાડના કપરાડામાં 247 મીમી, કચ્છના અંજારમાં 239 મીમી, નવસારીના ખેરગામમાં 222 મીમી વરસાદ નોંધાયો છે અને આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
પૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક યોજી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં SEOC ખાતે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને તેમને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા સહિત બચાવ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી હતી, જેમણે તેમને વરસાદની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
રવિવાર સુધી વરસાદથી રાહત નહીં મળે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે શનિવારે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જો કે, વિભાગે રવિવાર સવાર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. IMD એ એમ પણ કહ્યું કે બુધવારે સવાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.