નવી દિલ્હી: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ(RPF) છેલ્લા સાત વર્ષથી ‘નાન્હે ફરિશ્તે” નામનું ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે, જેમાં ભારતીય રેલ્વેના વિવિધ ઝોનમાં રેલવેમાં મળતા બાળકોને બચાવે છે. મે-2018થી લઈને મે-2024 દરમિયાન, RPFએ સ્ટેશનો તેમજ ટ્રેનોમાં જોખમમાં પડેલા અથવા જોખમમાં પડવા જઈ રહેલા 84,119 બાળકોને બચાવ્યા છે.
‘નન્હે ફરિશ્તે’ એ એક ઓપરેશન કરતાં કંઈક વધારે છે. તે એવાં હજારો બાળકો માટે એક નવજીવન સમાન છે જેઓ અનિશ્ચિત સંજોગોમાં જાણે-અજાણે ધકેલાય જાય છે. 2018 થી 2024 સુધીનો ડેટા RPFના અતૂટ સમર્પણ, અનુકૂલન ક્ષમતા અને સંધર્ષ ક્ષમતાની દર્શાવે છે.વર્ષ 2018માં શરૂ થયેલા “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ, RPFએ છોકરાઓ અને છોકરીઓ બંને મળીને કુલ 17,112 પીડિત બાળકોને બચાવ્યા હતા. બચાવી લેવામાં આવેલા 17,112 બાળકોમાંથી 13,187ની ઓળખ ભાગેડુ બાળકો તરીકે કરવામાં આવી હતી, 2105 ગુમ થયેલા હતા, 1091 છૂટા પડેલા બાળકો હતા. જ્યારે 400 બાળકો નિરાધાર મળી આવ્યા હતા, 87નું અપહરણ થયું હતું, 78 માનસિક રીતે અશક્ત હતા અને 131 બેઘર બાળકો હોવાની માહિતી સામે આવી હતી. વર્ષ 2018માં RPFએ આ પહેલ માટેનો મજબૂત પાયો નાખ્યો હતો.
વર્ષ 2019 દરમિયાન, RPFના પ્રયાસો સતત સફળ રહ્યા અને છોકરાઓ અને છોકરીઓ બંને મળીને કુલ 15,932 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા 15,932 બાળકોમાંથી 12,708 ભાગેડુ, 1454 ગુમ થયેલા, 1036 છૂટા પડેલા બાળકો હતા. જ્યારે 350 નિરાધાર, 56નું અપહરણ થયું હતું, 123 માનસિક રીતે અસ્વસ્થ હતા અને 171 બેઘર બાળકો તરીકે મળી આવ્યા હતા.
કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2020 પડકારજનક હતું. જ્યારે સામાન્ય જનજીવન ખોરવાયેલું હતું. તેવા સમયમાં પડકારો છતાં RPF 5,011 બાળકોને બચાવવામાં સફળ રહ્યું.
વર્ષ 2021 દરમિયાન, RPFએ તેની બચાવ કામગીરીમાં 11,907 બાળકોને બચાવ્યા. જેમાં 9601 બાળકો ભાગેડુ હતા, 961 ગુમ થયેલા હતા. જ્યારે 648 છૂટા પડેલા, 370 નિરાધાર અને 78નું અપહરણ થયું હતું. 82 માનસિક વિકલાંગ હતા અને 123 સ્ટ્રીટ ચિલ્ડ્રન તરીકે ઓળખાયા હતા.
2023 દરમિયાન RPF 11,794 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. તેમાંથી 8916 બાળકો ભાગેડુ હતા, 986 ગુમ થયા હતા અને 1055 છૂટા પડેલા હતા. જ્યારે 236 નિરાધાર હતા અને 156નું અપહરણ થયું હતું. બીજી તરફ 112 માનસિક વિકલાંગ બાળકો હતા અને 237 બેઘર હતા.
2024ના પ્રથમ પાંચ મહિનામાં RPFએ 4,607 બાળકોને બચાવ્યા છે. જેમાં 3430 ભાગેડુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ભાગેડુ બાળકોને RPF દ્વારા સુરક્ષિત રીતે તેમના માતા-પિતા પાસે પરત મોકલવામાં આવે છે. બાળકો વિશેની સંપૂર્ણ માહિતી ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર ઉપલબ્ધ છે. 135થી વધુ રેલ્વે સ્ટેશનો પર ચાઈલ્ડ હેલ્પડેસ્ક ઉપલબ્ધ છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ બાળકોને તેમના માતા-પિતાને સોંપે છે.