પોઈચામાં નર્મદામાં 8 લોકો ડૂબ્યા, એકનો આબાદ બચાવ

નર્મદા નજીકના પોઈચા ગામમાં 8 લોકોનો નદીના ઉડા પાણી નહાવા જતા ગરકાવ થવાના  સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ સુરતના એક પરિવારના 8 સદસ્યો નર્મદા નદીમાં નહાવા જતા હતા. ત્યારે નદીના ઉંડા પાણી પરિવારનો ગરકાવ થયો હતો.

સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામમાં 7 લોકો દરિયાની ભરતીના પાણીમાં તણાઇ ગયા હતાં. જેમાંથી ચાર લોકોના મૃત દેહ મળી આવ્યા હતા.