ગાંધીનગર: ૭૭મા બંધારણ દિવસ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા વન-પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારોની સાથે કર્તવ્યો પ્રત્યે સજાગ બનવું જરૂરી: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
રાજ્યના નાગરિકોને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવતાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એ આપણા સંવિધાનનો મૂળ ઉદ્દેશ છે. નાગરિકો ક્યારેય અરાજકતાનો માર્ગ ન અપનાવે અને અધિકારોની સાથે કર્તવ્યો પ્રત્યે સજાગ બને તો જ રાષ્ટ્ર પ્રગતિના સર્વોચ્ચ શિખરો હાંસલ કરશે. તેમણે ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી મોટું અને સ્વયંસ્પષ્ટ લેખિત બંધારણ હોવાનું જણાવી આવનારી પેઢીઓમાં બંધારણીય મૂલ્યોના સિંચન પર ભાર મૂક્યો હતો.
આ તકે તેમણે યાદ અપાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે હાથીની અંબાડી પર સંવિધાનને બિરાજમાન કરીને પોતે ખુલ્લા પગે ચાલીને ભવ્ય સન્માન યાત્રા કાઢી હતી, જે સંવિધાનના ગૌરવ અને મર્યાદા જાળવવાનો પ્રેરક સંદેશ હતો.
સંવિધાન એ લોકતંત્રનો પવિત્ર ગ્રંથ છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને વંદન કરતાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંવિધાન એ માત્ર કાયદાકીય દસ્તાવેજ નહીં, પરંતુ સમગ્ર દેશનો વહીવટ ચલાવતી સર્વોચ્ચ માર્ગદર્શિકા અને લોકતંત્રનો પવિત્ર ગ્રંથ છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના પાયા પર ટકેલું આ સંવિધાન દરેક નાગરિકના હકોનું રક્ષણ કરે છે. તેમણે ઉમેર્યું કે, આ ભારતીય સંવિધાનનું જ સામર્થ્ય છે કે એક સામાન્ય પરિવારનો દીકરો પણ આજે દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યો છે.
ધારાસભ્યો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર સહભાગિતા
કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહ સોંઢાજી, દેવાભાઈ માલમ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિધાનસભા સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદની વિવિધ આર્ટ્સ, કોમર્સ અને લો કોલેજો (નિરમા યુનિવર્સિટી, સરકારી લો કોલેજ, મોતીલાલ નહેરૂ લો કોલેજ વગેરે)ના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ આમુખ વાંચનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.




