વકફની 58 એકર જમીન સરકારી સંપત્તિ જાહેર

નવી દિલ્હીઃ વકફ કાયદા વિશે એક બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે, ત્યારે રાજકીય ઘમસાણ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કૌશાંબી જિલ્લામાં વક્ફની 58 એકર મિલકતને મુક્ત કરાવીને તેને સરકારી જમીન તરીકે રજિસ્ટર કરી દીધી છે. યોગી સરકારએ આ કાર્યવાહી એવા સમયે કરી છે, જ્યારે દેશમાં મુસ્લિમ સંસ્થાઓ અને વિપક્ષી પક્ષોએ વક્ફ કાયદાના વિરોધમાં માત્ર ઉત્તર પ્રદેશમાં નહીં, પરંતુ અનેક રાજ્યોમાં આંદોલન શરૂ કર્યું છે. એ સાથે જ સુપ્રીમ કોર્ટમાં પણ આ કાયદાને પડકારવામાં આવ્યો છે. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો ખેંચતી નથી, તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે.

કૌશાંબી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ મધુસૂદન હુલ્ગીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 98.95 હેક્ટર જમીન વક્ફ બોર્ડ હેઠળ રજિસ્ટર છે. જેમાંથી 93 વીઘા (અંદાજે 58 એકર) જમીનને વક્ફના કબજાથી મુક્ત કરાવીને સરકારના ખાતામાં દાખલ કરવામાં આવી છે.

સરકાર તરફથી આ કાર્યવાહી તપાસ પછી કરવામાં આવી છે. આ તપાસમાં ખૂલ્યું હતું કે વક્ફ બોર્ડ હેઠળ રજિસ્ટર થવાની પૂર્વે આ જમીન ગ્રામ સમાજના નામે રજિસ્ટર હતી. આ જમીનના મોટા હિસ્સા પર મદરેસા અને કબ્રસ્તાન બનાવવામાં આવ્યાં હતાં. સરકાર આ મામલે આગળની તપાસ પણ કરી રહી છે અને જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં તપાસ ટીમોની નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેરિફિકેશન પછી વધુ જમીનને પણ સરકારના કબજામાં લઈને સરકારી મિલકત તરીકે રજિસ્ટર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે બનાવેલા વક્ફ કાયદા હેઠળ વક્ફ મિલકતોનું વધુ સારી રીતે સંચાલન કરવા અને જિલ્લાના મેજિસ્ટ્રેટને વધુ અધિકારો આપવાની અનેક જોગવાઈ કરવામાં આવી છે.