લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે, 2024 ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે. 05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે.રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.20 એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ 105 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. 22 એપ્રિલ સુધીમાં કુલ 62 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, 2024 માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 266 થઈ છે. જે પૈકી 247 પુરુષ ઉમેદવારો, 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી 24-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-2024 માટે કુલ 37 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ 10 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. તેમજ 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 24 થઈ છે.