અમદાવાદ: જો તમને કોઈ એમ કહે કે તેમની પાસે 3000 વર્ષ કરતાં પણ જૂની કાચની બોટલ છે, તો શું તમે એ વ્યકિતની વાતનો વિશ્વાસ કરશો? આપણા મનમાં તરત જ પ્રશ્ન થાય કે આટલી જૂની કાચની બોટલ અત્યાર સુધી કેવી રીતે સચવાઇ હશે?
પરંતુ આ વાત તમને ત્યારે સાચી લાગે જ્યારે તમે અમદાવાદમાં રહેતા મનોજ સોનીના ઘરમાં પ્રવેશ કરો. ઘરમાં પ્રવેશતા જ ચારે બાજુ તમને કાચની બોટલ જ બોટલ દેખાય. 3000થી વધુ કાચની બોટલનો સંગ્રહ કરવા માટે 63 વર્ષીય મનોજભાઈએ તેમના ઘરને જ સંગ્રહાલયમાં પરિવર્તિત કરી નાખ્યું છે. 25 વર્ષથી ગ્લાસની બોટલનું કલેક્શન કરનાર મનોજ સોની વ્યવસાયે એક પ્લાસ્ટિક ટેક્નોક્રેટ છે.
એમની પાસે 18મી સદીથી લઈને 3000 વર્ષ જૂની કાચની સુંદર બોટલ્સનું કલેક્શન છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ઈટલી, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ જેવાં 50થી વધુ દેશોની સુંદર કાચની બોટલ્સ તેમના કલેક્શનમાં જોવા મળે છે. દુર્લભ કહી શકાય તેવી રોમન, સિરીયન, ઈસ્લામિક, વિક્ટોરિયન સભ્યતાની જેમાં ઝલક જોવા મળે તેવી બોટલ્સ છે.
એમના આ સંગ્રહમાં 18મી સદીની એક સૌથી નાની બોટલ છે, જેની ઉંચાઈ એક સેન્ટિમીટર છે. જ્યારે સૌથી મોટી બોટલ 30 ઈંચની છે. સૌથી ઓછા વજનની બોટલની જો વાત કરવામાં આવે તો તે 0.500 મિલીગ્રામની છે, જ્યારે સૌથી વધુ વજનની 10 કિલોગ્રામની બોટલ છે. ટ્રાન્સપરન્ટ, કોબાલ્ટ બ્લૂ, ગ્રીન, યલ્લો, ઓરેન્જ, સ્કાય બ્લૂ સહિત અનેક કલર્સની બોટલ, વિવિધ આકારની બોટલ્સ, વિવિધ કદની બોટલ્સ, તમને જોતાં જ ગમી જાય તેવી અદ્દભૂત હ્યુમન ફિગરવાળી બોટલ્સ તમને મનોજભાઈના ક્લેક્શનમાં જોવા મળશે.
પોતાના આ શોખ વિશે વાત કરતા મનોજ સોની કહે છે, “મારા પિતાજીને જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હતો. તેમની પાસેથી મને આ પ્રેરણા તેમની પાસેથી મળી છે. પિતાજી સાથે જ લગભગ 1997ના વર્ષમાં હું અમદાવાદના ગુજરી બજારમાં ગયો હતો. ત્યાં મેં અણીવાળી સોડાની બોટલ જોઈ, જેને ટોરપીડો બોટલ કહે છે તે મેં ખરીદી હતી. આ બોટલ વિશે ઈન્ટરનેટ પર તપાસ કરતાં જાણવા મળ્યું કે યુરોપમાં તેને હેમિલટન બોટલ કહે છે. ત્યાર બાદ મને યુરોપ અને અમેરિકામાં ગ્લાસ બોટલ સંગ્રહ કરનાર લોકો વિશે માહિતી મળી. ત્યારબાદ મેં ગ્લાસ બોટલ ક્લેક્ટ કરવાનું શરૂ કર્યું. કાચ તૂટવા માટે સર્જાયો છે તેથી જે બચ્યું છે તે રેર છે. તેથી કાચની વસ્તુઓનું કલેક્શન કરવા માટે સંવેદના તેમજ ધીરજ પણ ખૂબ જ જરૂરી છે.”
મનોજભાઈને પછી તો એવો શોખ લાગ્યો કે, પછી તો તેઓ સમગ્ર શહેરમાં જ નહીં અનેક રાજ્યોમાં બોટલનું કલેક્શન કરવા માટે ફરતા થયા. ઈન્ટરનેટના માધ્યમથી હજારો મિત્રો બનાવ્યા, જેમને આ પ્રકારનો શોખ હોય. ત્યાં સુધી કે તેમણે લગભગ પોતાના નામના 5000 જેટલાં કાર્ડ છપાવીને ફેરિયાઓને આપ્યા. જેથી તેમની પાસે કોઈ પણ પ્રકારની આવી એન્ટિક બોટલ તેમની પાસે આવે તો મનોજભાઈ સુધી પહોંચાડે. પછી તો મનોજભાઈ કોથાળાને કોથળા ભરીને બોટલો ઘરે લાવવા લાગ્યા. જેમાંથી માત્ર એક કે બે જ કામની નીકળતી.
આ બોટલ્સ પણ અહીં વિવિધ કેટેગરીમાં ગોઠવવામાં આવી છે. જેમ કે, પર્ફ્યૂમ કલેક્શન, ફિડર બોટલ ક્લેકશન, વાઈન કલેક્શન, પોઈઝન કલેક્શન, મેડિસિન વગેરે.
આ બોટલ્સ એક્ઠી કરવી મનોજભાઈ માટે કોઈ સરળ વાત ન હતી. તેઓ વ્યવસાયે પ્લાસ્ટિક ટેક્નોક્રેટ હોવા છતાં આ બોટલ્સના ઈતિહાસના રૂટ સુધી પહોંચ્યા છે. તેમના ક્લેક્શનમાં રહેલી દરેક બોટલ વિશે તેઓ ખૂબ જ ઉંડાણપૂર્વક વાત કરી શકે તેટલું જ્ઞાન તેમણે એક્ઠું કર્યું છે. આ શોખના કારણે જ લગભગ 10 દેશના અન્ય બોટલ ક્લેક્ટર સાથે તેમની મિત્રતા થઈ છે, જેમની પાસેથી તેઓ જ્ઞાન અને બોટલ બન્નેની આપ-લે કરતાં હોય છે.
કાચની જાણવળી કરવી કેટલી મુશ્કેલ છે તે દરેક વ્યક્તિ જાણે જ છે. એકવાર કાચ હાથમાંથી પડી ગયો પછી તેને પરત જોડી શકાતો નથી. આથી આ બોટલ્સની જાળવણી કરવી પણ કેટલી અઘરી છે તેની કલ્પના કરી શકાય છે. જો કે આ વિશે મનોજભાઈ એવું માને છે કે, “દરેક મનુષ્યની જેમ દરેક બોટલ પણ પોતાની આવરદા લખાવીને જ આવે છે. આથી તેના તૂટ્યા પછી દુઃખ જરૂર થાય પણ અફસોસ કરવાનો કોઈ જ અર્થ નથી.” મનોજભાઈના આ પેશનને ફોલો કરવામાં અને સાચવવામાં તેમના પરિવારનો પણ એટલો જ ફાળો છે.
લાખો રૂપિયા ખર્ચીને મૂલ્યવાન ખજાનાની જેમ ભેગી કરેલી આ બોટલ્સના શોખ માટે મનોજભાઈને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને “અતુલ્ય વારસો આઈડેન્ટિટી” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણીતા લોકકલા સંશોધક-લેખક જોરાવરસિંહ જાદવના હસ્તે આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/reel/DMfZR-nSjYl/?utm_source=ig_web_copy_link
(રાધિકા રાઓલ-અમદાવાદ)
