મુન્દ્રા અદાણી પોર્ટના 21 હજાર કરોડ હેરોઈન કાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં હેરોઈન વેચાણના નાણાં લશ્કર-એ-તૈયબાને પહોંચાડવાના હતા. છ અફઘાન નાગરિકો સહિત 18 સામે આરોપ છે. તથા ચારને વોન્ટેડ દર્શાવાયા છે. ગત વર્ષે 29 ઓગસ્ટના વધુ નવ લોકો સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
હેરોઈન કેસમાં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી
સપ્ટેમ્બર 2021માં મુન્દ્રાથી પકડાયેલા 21 હજાર કરોડના હેરોઈન કેસમાં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હેરોઈનના વેચાણથી મળતું ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિ માટે લશ્કર-એ-તૈયબાને આપવાનું હોવાનો છ અફ્ઘાન નાગરિકો અને સાત કંપનીઓ સહિત કુલ 18 લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં વિત્યાશ કોસર ઉફે રાજુ દુબઈ, ફ્રીદુન અમાની ઉફે જાવેદ અમાન, અબ્દુલ સલામ નૂરઝાઈ અને પાકના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા મોહમ્મદ ઈકબાલ અવાનને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. હેરોઈન ભરેલા માલના પાંચ કન્સાઈનમેન્ટ નવેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે મુન્દ્રા અને કોલકત્તા બંદરેથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હતા. જેમાં અર્ધ-પ્રક્રિયા કરેલ ટેલ્ક પત્થરોના આવા ત્રણ કન્સાઈનમેન્ટ દિલ્હીના નેબ સરાઈમાં એક વેરહાઉસમાં મોકલ્યા હતા.
અફ્ઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા આયાત કરાયું
વર્ષ 2021ના તા.14, 15 સપ્ટેમ્બરના રોજ અફ્ઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા આયાત કરાયેલા બે કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં છૂપાવીને અનુક્રમે 1,999.58 કિગ્રા અને 988.64 કિગ્રા હેરોઇનનો જથ્થો ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ ઝડપી પાડયો હતો. અંદાજિત રૂ.21 હજાર કરોડની બજાર કિંમતનું 2,988 કિલોગ્રામ હેરોઈન આયાત કરવાના તાર આતંકવાદ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ 6 ઓક્ટોબર, 2021ના એનઆઈએ કેસની બાગડોર સંભાળી હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 14 માર્ચ, 2022ના 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગત વર્ષે 29 ઓગસ્ટના વધુ નવ લોકો સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમિયાનમાં ત્રીજી પૂરક ચાર્જશીટમાં પકડાયેલા અને વોન્ટેડ મળીને કુલ 14 આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે.જેમાં હેરોઈનના વેચાણથી મળતું ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિ માટે લશ્કરે-એ-તૈયબાના ઓપરેટર્સને અપાતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.