સંસદમાં ઓપરેશન સિંદૂર પર આજે 16 કલાક ચર્ચા

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે સોમવારે લોકસભામાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર 16 કલાક લાંબી ચર્ચા થવાની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરશે. ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ વિરોધ પક્ષના સવાલોના જવાબ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે. વિરોધ પક્ષ તરફથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ તથા અન્ય સાંસદો સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવશે. ચોમાસુ સત્રના પહેલા દિવસે જ વિરોધ પક્ષના સાંસદો પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર સરકારથી જવાબ માગતા રહ્યા છે.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ 25 જુલાઈએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્રમાં પહેલું સપ્તાહમાં હંગામો જ રહ્યો હતો. એથી તમામ પક્ષોએ સામૂહિક રીતે નિર્ણય કર્યો છે કે સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ સત્ર યોજાશે. ત્યાર બાદ મંગળવારે રાજ્યસભામાં પણ આ મુદ્દા પર 16 કલાકની ચર્ચા થશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે પહલગામ હુમલાના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. તેમને મારવામાં પણ આવ્યા નથી. ઉપરાજ્યપાલે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર તંત્ર ધ્વસ્ત થયું છે. ટ્રમ્પ 24 વખત કહી ચૂક્યા છે કે તેમણે યુદ્ધ રોકી દીધું છે. સરકારે આ તમામ મુદ્દાઓ પર જવાબ આપવો જોઈએ. ઉપરાજ્યપાલે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે ખંડિત થયું છે. સેના પ્રમુખ, CDS અનિલ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ પણ કેટલાક ખુલાસા કર્યા છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં એવો સંદેશ નહીં જવો જોઈએ કે સરકાર પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા ઇચ્છતી નથી. અમે દરેક રીતે ચર્ચા કરીશું અને દેશના સમક્ષ તમામ મુદ્દાઓ રજૂ કરીશું.