NCC કેમ્પમાં 159 વિદ્યાર્થીઓને નમાજ માટે કરાયા મજબૂરઃ FIR નોંધાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બિલાસપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક NCC કેમ્પ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ અદા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થી ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય યુનિવર્સિટીના હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ૮ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ૭ શિક્ષકો સામેલ છે.

મામલો શું છે?
આ મામલો કોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવતરાઈ ગામનો છે. અહીં ૨૬ માર્ચથી પહેલી એપ્રિલ વચ્ચે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૯ વિદ્યાર્થીઓ હાજર હતા. આ તમામ વિદ્યાર્થીઓને નમાજ અદા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના પૈકી ફક્ત ૪ વિદ્યાર્થીઓ જ મુસ્લિમ ધર્મના હતા. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી છે.

જેમના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમાં પ્રોફેસર દિલીપ ઝા, ડો. મધુલિકા સિંહ, ડો. જ્યોતિ વર્મા, ડો. નીરજ કુમારી, ડૉ. પ્રશાંત વૈષ્ણવ, ડૉ. સૂર્યભાણ સિંહ, ડો. વસંત કુમાર અને ટીમ કોર લીડર તેમ જ વિદ્યાર્થી આયુષ્માન ચૌધરીનો સમાવેશ થાય છે.આ મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.


પહેલગામ હુમલાની જેમ વધી શકે છે મામલો
આ મામલો કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને પગલે વધુ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો અને હુમલાથી પહેલા પ્રવાસીઓને કલમા પઢવા માટે કહ્યું હતું. જેમણે કલમા પઢી લીધું તેમને છોડવામાં આવ્યા હતા અને બાકીનાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં ૨7 લોકોનાં મોત થયાં હતાં.