કોંગ્રેસના 150 સાંસદોને રશિયાથી નાણાં મળ્યાં હતાં: નિશિકાંત દુબે

નવી દિલ્હી: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા 2011માં જાહેર કરાયેલા એક દસ્તાવેજને શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નિવૃત્ત નેતા એચ. કે. એલ. ભગતના નેતૃત્વ હેઠળ 150થી વધુ કોંગ્રેસ સાંસદોને સોવિયત સંઘ (રશિયા) દ્વારા “નાણાકીય સહાય” આપવામાં આવી હતી અને તેઓ રશિયાના “એજન્ટ” તરીકે કામ કરતા હતા.

નિશિકાંત દુબેએ ‘X’ પોસ્ટમાં ‘કોંગ્રેસ, કરપ્શન અને ગુલામી’ શીર્ષક હેઠળ લખ્યું છે કે આ અવર્ગીકૃત ગુપ્ત દસ્તાવેજ 2011માં CIA દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ એચ. કે. એલ. ભગતના નેતૃત્વ હેઠળ 150થી વધુ કોંગ્રેસ સાંસદોને સોવિયત રશિયા દ્વારા નાણાં આપવામાં આવ્યાં હતાં અને તેઓ એજન્ટ તરીકે કામ કરતા હતા?

ભાજપ સાંસદે આરોપ લગાવ્યો કે પત્રકારોનું એક જૂથ પણ રશિયાનું “એજન્ટ” હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમણે જે દસ્તાવેજ શેર કર્યો છે તેમાં રશિયાની તરફથી પ્રસિદ્ધ કરાયેલા 16,000 સમાચાર લેખોની સૂચિ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના શાસન દરમિયાન રશિયન ગુપ્તચર એજન્સીના 1100 લોકો ભારતમાં હતા, અને તેમણે અધિકારીઓ, વેપારી સંગઠનો, કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને જનમત રચનારાઓને તેમનાં “ખિસ્સા”માં રાખ્યા હતા.

તેમણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસનાં ઉમેદવાર સુભદ્રા જોશીએ સોવિયત સંઘના શાસન દરમિયાન ચૂંટણી માટે જર્મન સરકારથી 5 લાખ રૂપિયા લીધા હતા અને હાર્યા પછી ઈન્ડો-જર્મન ફોરમનાં અધ્યક્ષ બની ગયાં હતાં. પોસ્ટના અંતમાં ભાજપ સાંસદે પૂછ્યું, “આ દેશ હતો કે ગુલામો, એજન્ટો અને દલાલોની કઠપૂતળી? કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. શું આજે આ મુદ્દે તપાસ થવી જોઈએ કે નહીં?