નવી દિલ્હીઃ આ વર્ષેના સૌથી મોટા ‘નક્સલ વિરોધી’ ઓપરેશનોમાંના એકમાં સુરક્ષા દળોએ છત્તીસગઢના દક્ષિણ બસ્તર વિસ્તારના સુકમા અને બિજાપુર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણોમાં 14થી વધુ માઓવાદીઓને ઠાર કર્યા છે. સુકમાનાં ગાઢ જંગલોમાં માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી જોરદાર ગોળીબાર થયો, જેમાં 14 માઓવાદી માર્યા ગયા છે.
સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં આવેલાં ગાઢ જંગલોમાં મુખ્ય અથડામણ થઈ હતી. અહીં સુરક્ષા દળોની સંયુક્ત ટીમો ગુપ્તચર માહિતીના આધારે મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. માઓવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં બંને તરફથી ઘણા કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો. સુકમા-બિજાપુર અથડામણમાં 14થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં મુખ્ય નક્સલી કમાન્ડરો પણ સામેલ હોવાનું જણાવાયું છે.સુકમા અને બિજાપુરના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અથડામણમાં અનેક માઓવાદીઓ ઠાર થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ સુકમા અને બિજાપુરમાં માર્યા ગયેલાઓની સંખ્યા 14થી વધુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે મરેલા મોટા ભાગના માઓવાદી દરભા વેલી કમિટી (DVCM) કેડરના હતા, જે એક મહત્વપૂર્ણ માઓવાદી સંગઠન છે. ખાસ વાત એ છે કે કોન્ટાના એડિશનલ એસપી આકાશ ગિરપુંજેની હત્યામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવતો નક્સલી કમાન્ડર પણ માર્યા ગયેલાઓમાં સામેલ છે, જેનાથી સંગઠનને મોટો ઝટકો લાગ્યો છે. સુકમા અથડામણ સ્થળેથી હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે; ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા દળો પરત ફર્યા બાદ જ મૃતકોની ચોક્કસ સંખ્યા જાણી શકાશે.
જપ્ત કરાયેલા હથિયારોમાં એક AK-47, એક INSAS રાઇફલ તેમ જ અન્ય ગોળા-બારુદ અને વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ઓપરેશન હજુ ચાલુ છે અને ટીમો વિસ્તારની ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. મૃતકોની ચોક્કસ સંખ્યા અને ઓળખ ત્યારે જ થશે, જ્યારે સુરક્ષા દળો ગાઢ જંગલવાળા વિસ્તારોમાંથી પરત ફરશે. નક્સલવિરોધી ઓપરેશનની સંવેદનશીલ અને ચાલુ સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ગોળીબારનું ચોક્કસ સ્થળ અથવા તૈનાત દળોની સંખ્યા જેવી વિગતો જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.




