ભારત સંકલ્પ યાત્રા : ગુજરાતના 14 હજાર ગામોમાં 129 રથ ભ્રમણ કરશે

યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરી ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે.

વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે. આદિવાસી ભાઈઓએ આઝાદીના સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ

તેમણે ઉમેર્યું હતું કે, પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો જ નરસંહાર ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં થયો હતો જેમાં 1200 જેટલાં આદિવાસી ભાઈ- બહેનો શહીદ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વરાજની લડાઈ બાદ હવે આ સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ – કર્તવ્યકાળ ચાલી રહ્યો છે. આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે ત્યારે આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ વિના વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ ન થઈ શકે.