ભારતની સૌથી મૂલ્યવાન IT સર્વિસિસ બ્રાન્ડ તરીકે TCSની પસંદગી

મુંબઈઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) વિશ્વની અગ્રણી IT સેવાઓ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપનીઓમાંની એક બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 (Brand Finance India 100), 2026ના અહેવાલમાં ભારતની સૌથી મૂલ્યવાન IT સર્વિસિસ બ્રાન્ડ તરીકે પસંદગી થઈ છે. કંપનીએ 21.2 અબજ અમેરિકી ડોલરનું બ્રાન્ડ મૂલ્ય પ્રાપ્ત કર્યું છે અને તેના ઇતિહાસમાં પ્રથમ વખત AAA બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ હાંસલ કર્યું છે. આ માન્યતા TCSની સતત વધતી બ્રાન્ડ વેલ્યુ, એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજીમાં તેની આગેવાની, લાંબા ગાળાના ગ્રાહક વિશ્વાસ, કર્મચારી-કેન્દ્રિત સંસ્કૃતિ, સામાજિક પ્રભાવ અને વિશ્વની સૌથી મોટી AI-આધારિત ટેક્નોલોજી સર્વિસિસ કંપની બનવાની તેની સ્પષ્ટ મહત્ત્વાકાંક્ષાનું પ્રતિબિંબ છે.

  અહેવાલમાં ટાટા બ્રાન્ડ ઇકોસિસ્ટમની મજબૂતાઈ પણ ઉજાગર કરવામાં આવી છે. ટાટા ગ્રુપને ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે, જ્યારે ગ્રુપની અનેક કંપનીઓને તેમનાં ક્ષેત્રોમાં અગ્રણી તરીકે માન્યતા મળી છે. આ પરિણામો વિવિધ ઉદ્યોગો અને દૈનિક ગ્રાહક અનુભવમાં ટાટા બ્રાન્ડ પ્રત્યેના ઊંડા વિશ્વાસને દર્શાવે છે.બ્રાન્ડ ફાઇનાન્સ એશિયા પેસિફિકના મેનેજિંગ ડિરેક્ટર એલેક્સ હેગે જણાવ્યું હતું કે ભારતની સૌથી મૂલ્યવાન IT સર્વિસિસ બ્રાન્ડ તરીકે TCSનું સ્થાન અને તેનું પ્રથમ AAA બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ એ વિશ્વાસ, લાંબા ગાળાની ગ્રાહક પ્રાસંગિકતા અને ટેક્નોલોજી નેતૃત્વમાં સતત રોકાણ પર આધારિત બ્રાન્ડનું પ્રતિબિંબ છે. TCSની AI અંગેની મહત્ત્વાકાંક્ષા તેને વિશિષ્ટ ઓળખ આપે છે. જેમ-જેમ એન્ટરપ્રાઇઝ સ્તરે AIનો વ્યાપક સ્વીકાર વધી રહ્યો છે, તેમ-તેમ TCS તેની ટેક્નોલોજિકલ કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વાસ દ્વારા જટિલ સંસ્થાઓમાં AIને વાસ્તવિકતા બનાવવામાં મદદ કરે છે. ટાટા બ્રાન્ડની મજબૂતાઈ સાથે મળીને, TCS વિશ્વભરના ઉદ્યોગો માટે AI ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે અનોખી ભૂમિકા ભજવે છે.

TCSના ગ્લોબલ ચીફ માર્કેટિંગ ઓફિસર અભિનવ કુમારે જણાવ્યું હતું કે અમે વૈશ્વિક સ્તરે TCS માટે મજબૂત બ્રાન્ડ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ પોતાના દેશમાં મળતી માન્યતા હંમેશાં વિશેષ હોય છે. TCS બ્રાન્ડનો જન્મ 1968માં ભારતમાં થયો હતો – એક એવું પ્રથમ પગલું, જેણે સમગ્ર ઉદ્યોગની રચના કરી. આજે આ ઉદ્યોગ લગભગ 60 લાખ લોકોને રોજગાર આપે છે અને દેશના GDPમાં 7.5 ટકા યોગદાન આપે છે.

અમને ગર્વ છે કે દર 10માંથી સાત ભારતીયો પોતાના દૈનિક જીવનમાં TCS દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નોલોજીનો સીધો અથવા પરોક્ષ લાભ લે છે – પાસપોર્ટ અને ટપાલ સેવાઓથી લઈને બેંકિંગ, વીમા, શેરબજાર ટ્રેડિંગ અને પેન્શન સેવાઓ સુધી. આ લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે, જે અમારી બ્રાન્ડની કિંમત વધારવાનું કામ કરે છે અને AI તથા નવી પેઢીની ટેક્નોલોજીઓ સાથે ભવિષ્ય તરફ આગળ વધવામાં અમને પ્રેરણા આપે છે.

કંપની અત્યાર સુધીમાં ગ્રાહકો માટે 5500થી વધુ AI પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી ચૂકી છે. કંપનીએ AI સંબંધિત આવકને વધારીને 2.6 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડી છે.