પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર અમિત શાહે કોંગ્રેસને ઘેરી

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનના રક્ષા મંત્રીના શબ્દોએ ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. વાસ્તવમાં ખ્વાજા આસિફે કલમ 370 પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ 370ની પુનઃસ્થાપના પર પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સાથે છે.

આસિફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે કલમ 370 પર કોંગ્રેસના ગઠબંધનના સ્ટેન્ડ સાથે સહમત છીએ. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે.

ગૃહમંત્રીએ આગળ લખ્યું, છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી તમામ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભા છે. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવી હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે રહ્યો છે. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 કે આતંકવાદ પાછા આવવાના છે.