જૈન ધર્મના કાર્યક્રમમાંથી કરોડોના હીરા જડિત કળશની ચોરી

નવી દિલ્હીઃ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં જૈનોના ધાર્મિક કાર્યક્રમમાંથી કરોડોના હીરા જડિત સોનાના કળશની ચોરી થઈ છે. આ હાઈ-પ્રોફાઇલ ચોરીની ખબર મળતાં જ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો અને તરત જ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં તક જોઈને શાતિર ચોરો કળશ ચોરતા CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

ચોરી થયેલો કળશ કેટલો ખાસ

આ ચોરી થયેલો કળશ આ 760 ગ્રામ સોનાથી બનેલો હતો, જેમાં 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જેવાં કીમતી રત્નો જડેલાં હતાં. તેની કિંમત અંદાજે રૂ. 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યક્રમમાં આવેલા વેપારી સુધીર જૈન આ કળશને રોજ પૂજા માટે લાવતા હતા. આ કીમતી કલશ ભીડભાડ દરમિયાન મંચ પરથી ગાયબ થયો હતો.

કેવી રીતે બની ઘટના?

લાલ કિલ્લો દેશના સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત સ્થળોમાંનો એક છે. તેની સુરક્ષામાં CISFના જવાનો તથા જગ્યાએ-જગ્યાએ CCTV કેમેરા લગાવેલા છે. તેમ છતાં આ મોટી ચોરીની ઘટના અંજામ આપવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે ચોરોની નજર આ કળશ પર પહેલેથી જ હતી. મંગળવારે જ્યારે આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓ હાજર હતા, ત્યારે સ્વાગતની ભાગદોડનો લાભ લઈ ચોરોએ આ કાંડ અંજામ આપ્યો.

પોલીસે સંદિગ્ધની ઓળખ કરી

દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા પરિસરમાં લગાવેલા CCTV કેમેરાના ફુટેજ ખંગાળ્યા બાદ પોલીસે એક સંદિગ્ધની ઓળખ કરી લીધી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીને પકડી લેવાની વાત કરી છે. લાલ કિલ્લાના 15ઓ ગસ્ટ પાર્કમાં આ ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે, જે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.