અમદાવાદમાં ચારેકોર તંત્રનું ઉત્સાહજનક ચિત્ર, બે દિવસ જાપાની વડાપ્રધાનની સરભરા થશે

  • ઐતિહાસિક સીદી સૈયદની જાળી તેમ જ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
  • એરપોર્ટથી સાબરમતી આશ્રમ માર્ગ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય સ્વાગત કરાશે
  • ૧૪ સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં દાંડીકુટિરની મુલાકાત અને બિઝનેસ સમિટ સહિતના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ ભૂમિપૂજન માટે કાલે ૧૩મી સપ્ટેમ્બરે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓના સ્વાગતમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.મહાનુભાવોના આગમનને લઇને શહેરની શોભા વધારવા તંત્ર કેટલાક દિવસથી દિનરાત મહેનત કરી રહ્યું હતું.

બંને વડાપ્રધાન માણશે આ કાર્યક્રમ

કાલે બપોરે ત્રણ કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. બંને મહાનુભાવો આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. આ પહેલાં એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર ઠેરઠેર વિવિધ જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાના દર્શન કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ સાંજે હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક નજરાણાં સમાન સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેનાર છે.

14મી રાત્રે સીધા જ રવાના થશે એબે

૧૪ સપ્ટેમ્બરે દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ખાતમુહૂર્ત કરશે. ત્યાંથી મહાત્મા મંદિરમાં દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી આોડિયો વિઝ્યુઅલ ઝાંખીનું ભવ્ય પ્રદશર્ન છે તે નિહાળશે. દિવસ દરમિયાન જાપાનના ડેલીગેશન સાથે ‘ડેલીગેશન લેવલ ટોક’, બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતાં કાર્યક્રમો યોજાશે, તેમાં પણ બંને વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. સાંજે સાયન્સ સિટીની મુલાકાત લઇને  14મીએ રાત્રે જ બંને વડાપ્રધાન પોતાના ગંતવ્ય સ્થાને ટોકિયો અને દિલ્હી જવા રવાના થશે.